F&O એક્સપાયરી અગાઉ શેરબજારમાં નરમાઈ, સેન્સેક્સ 16 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે નરમાઈ રહી હતી. આવતીકાલે ગુરુવારે નવેમ્બર ફયુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, પરિણામે ઉભા ઓળિયા સુલટાવારૂપી ટ્રેડિંગ હતા, તેમજ જુલાઈથી સપ્ટેમ્બર સુધીના જીડીપી ગ્રોથનો આંક જાહેર થનાર છે, જેથી માર્કેટમાં સાવચેતી હતી. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 15.83(0.05 ટકા) ઘટી 33,602.76 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 8.95(0.09 ટકા) ઘટી 10,361.30 બંધ થયો હતો.એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. કાલે ગુરુવારે નવેમ્બર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, જેથી નવી લેવાલી અને નવી વેચવાલીનો અભાવ હતો. આજે મોટાભાગે ઉભી પોઝિશન સુલટાવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. આથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ બેઉ તરફી વધઘટમાં અથડાયા હતા.

  • ટેકનોફેબ એન્જિનિયરીંગને રૂ.281 કરોડનો ઓર્ડર મળ્યાના સમાચાર પાછળ ટેકનોફેબમાં ભારે લેવાલીથી 20 ટકાની તેજીની સર્કિટ બ્રેકર લદાઈ હતી.
  • આજે બેંક, આઈટી, મેટલ, પીએસયુ અને ટેકનોલોજી સેક્ટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • જ્યારે કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, ફાર્મા સેકટરના શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી શેરોના ભાવમાં સામાન્ય સુધારો આવ્યો હતો.
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ બોસ(5.71 ટકા), ભારતી ઈન્ફ્રાટેલ(1.67 ટકા), અદાણી પોર્ટ્સ(1.67 ટકા), વિપ્રો(1.29 ટકા) અને બજાજ ઓટો(0.81 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરઃ એક્સિસ બેંક(2.32 ટકા), આઈડિયા સેલ્યુલર(1.94 ટકા), ઝી એન્ટરટેઈમેન્ટ(1.59 ટકા), હિન્દાલકો(1.50 ટકા) અને વેદાન્તા(1.47 ટકા).