ઓછા પગારવધારાથી નારાજ બેંક કર્મચારીઓ, 30 મેથી કરશે બે દિવસની હડતાળ

નવી દિલ્હીઃ દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારી આઈબીએ દ્વારા સેલરીમાં કરવામાં આવેલા માત્ર 2 ટકા જેટલા જ વધારા વિરૂદ્ધ 30 મેથી બે દિવસની હડતાળ પર જઈ રહ્યા છે. 5 મે 2018ના રોજ આ મામલે થયેલી બેઠકમાં આઈબીએ દ્વારા 31 માર્ચ 2017ની સેલરી અનુસાર પગારમાં 2 ટકા જેટલા વધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. તો આ સાથે જ આઈબીએ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે આ આ પ્રસ્તાવમાં અધિકારિઓ દ્વારા સંશોધનની શક્યતાઓ પણ માત્ર ક્લાસ 3ના અધિકારીઓ સુધી જ સીમિત રહેશે. બેંક કર્મચારી આના માટે 29 મે ના રોજ સાંકેતિક રીતે સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની મુખ્ય બ્રાંચ સામે એકત્રિત થશે.

યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનના સંયોજક દેવિદાસ તુલજાપુરકરે હડતાળના પક્ષમાં બોલતા જણાવ્યું કે એનપીએના કારણે બેંકોને આટલી નુકસાની થઈ છે. આના માટે બેંક કર્મચારીઓ જવાબદાર નથી. ગત ત્રણ વર્ષમાં બેંક કર્મચારીઓએ મુદ્રા, જનધન, નોટબંધી, અટલ પેન્શન યોજના વગેરે દરમીયાન ખૂબ કામ કર્યું છે. આનાથી વર્કલોડ ખૂબ વધી ગયો છે.

આના પહેલા નવેમ્બર 2012થી 31 ઓક્ટોબર 2017 વચ્ચે લાગૂ પગારની સમજૂતીમાં કર્મચારીઓને 15 ટકાનો વધારો મળ્યો હતો. આ હડતાળમાં યૂએફબીયુ, 9 યૂનિયનના સંયુક્ત યૂનિટ્સ સમાવિષ્ટ છે. તો આ સીવાય આ હડતાળમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર કન્ફિડિરેશન, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોય એસોસિએશન અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ પણ સમાવિષ્ટ છે.