લોન પ્રક્રિયા સરળ બનાવવા સરકારી બેન્કોનો પ્રયાસ, શરુ કરશે વેબ પોર્ટલ

નવી દિલ્હી- લોન મેળવવા ઈચ્છુક ગ્રાહકોને હવે ખાનગી બેન્કની સરખામણીએ સરકારી બેન્કમાંથી સરળતાથી લોન મળી શકશે. સરકારી બેન્કો એક એવું કોમન પોર્ટલ લાવવાની તૈયારી કરી રહ્યાં છે જ્યાં પર્સનલ, હાઉસિંગ સહિતની અન્ય લોન ઓફર કરવામાં આવશે. આ પોર્ટલ લોન્ચ કરવા કેન્દ્ર સરકાર મદદ કરશે અને આગામી સમયમાં તેનો ઉપયોગ લઘુ ઉદ્યોગોને લોન આપવા માટે પણ કરવામાં આવી શકે છે.નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બેન્કિંગ સેવાને વધુ સરળ કરવાની દિશામાં આ પગલું મહત્વનું સાબિત થશે. અને ગ્રાહકોને લોન મેળવવા ભાગદોડ કરવાની જરુર નહીં પડે. વધુમાં તેમણે કહ્યું કે, સરકારે બેન્કિંગ સાથે લોકોને જોડવા સૌપ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના શરુ કરી હતી. આ એ જ દિશામાં વધુ એક પગલું આગળ ભરવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેન્કોએ આ માટે પરસ્પર ચર્ચા કરી છે.

ખાનગી બેન્કોની સરખામણીમાં સરકારી બેન્કોનો લોન પોર્ટફોલિયો ઘણો નબળો રહ્યો છે. જેને પ્રોત્સાહન આપવા સરકારી બેન્કો ઉપરોક્ત યોજના બનાવી રહી છે. સાર્વજનિક ક્ષેત્રની બેન્કોનો સરેરાશ ક્રેડિટ ગ્રોથ માર્ચ 2018માં 4.7 ટકા હતો. જેની સામે ખાનગી બેન્કોનો ગ્રોથ 20.9% હતો. અધિકારીએ જણાવ્યું કે, સરકારી બેન્ક આ રેશિયો રિવર્સ કરવા માગે છે.

દરખાસ્ત મુજબ લોન મેળવવા ઈચ્છુક ગ્રાહકોએ ઓનલાઇન પોર્ટલ પર જરુરી માહિતી પુરી પાડવાની રહેશે. ત્યારબાદ વિવિધ બેન્કોમાંથી ગ્રાહકને લોન માટે ઓફર આપવામાં આવશે. સરકાર પણ ઈચ્છે છે કે, બેન્ક તેની સિસ્ટમને વધુ આધુનિક બનાવે, જેથી સમયની બચત થઈ શકે. આ પોર્ટલ પર લોનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે જેથી જલદી મંજૂરી આપી શકાય.