સપ્ટેંબરના પહેલા જ અઠવાડિયામાં બેન્ક્સ પાંચ દિવસ બંધ રહેશે?

મુંબઈ – એવા અહેવાલો છે કે આવતા મહિને પહેલા જ અઠવાડિયામાં દેશભરમાં બેન્કો પાંચ દિવસ સુધી બંધ રહેશે.

1 સપ્ટેંબરથી જ બેન્કો બંધ રહેશે એવા અહેવાલો છે એટલે લોકોએ એમના નાણાકીય સોદાઓ આ તારીખ પહેલાં જ કરી લેવાની સલાહ છે.

1 સપ્ટેંબરે શનિવાર આવે છે. અમુક રાજ્યોમાં બેન્કોમાં એ દિવસે કામકાજ કદાચ બંધ રહેશે. જોકે એ યાદ રાખવાની જરૂર છે કે સામાન્ય રીતે દેશભરમાં મહિનાના પહેલા શનિવારે બેન્કોમાં કામકાજ ચાલુ રહેતું હોય છે.

બીજી સપ્ટેંબરે રવિવારની રજા હશે. ત્યારબાદ સોમવારે 3 સપ્ટેંબરે જન્માષ્ટમીની જાહેર રજા રહેશે. ચાર અને પાંચ સપ્ટેંબરે ભારતીય રિઝર્વ બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પાડવાના છે એટલે એને કારણે બેન્કિંગ કામગીરી ખોરવાયેલી રહેશે.

યુનાઈટેડ ફોરમ ઓફ રિઝર્વ બેન્ક ઓફિસર્સ એન્ડ એમ્પલોઈઝનું કહેવું છે કે પેન્શન સંબંધિત માગણીઓના ટેકામાં તેના સભ્યો 4 અને 5 સપ્ટેંબરે માસ કેઝ્યુઅલ લીવ પર જશે.