જેટના 20,000 કર્મચારીઓની મદદ માટે બેંક કર્મચારીઓનું સંગઠન આગળ આવ્યું

0
591

નવી દિલ્હીઃ જેટ એરવેઝના 20,000 કર્મચારીઓની મદદ માટે બેન્ક કર્મચારીઓનું સંગઠન આગળ આવ્યું છે. સંગઠને સરકારને એરલાઈનનું અધિગ્રહણ કરવા આગ્રહ કર્યો છે, જેથી જેટના કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે. આ સિવાય એ પણ કહ્યું કે બેન્કો પર એરલાઈનને લોન આપવા બાબતે દબાણ ન કરવું જોઈએ.

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈ્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બેન્કોએ એરલાઈનનો ઈન્વેસ્ટર શોધવા માટે હરાજી શરૂ કરી છે. હરાજી સફળ થતી નથી તો સરકાર તેનું અધિગ્રહણ કરે. એસોસિએશનનું કહેવું છે કે એરલાઈનને બહાર લાવવા માટે દરેક વ્યક્તિ બેન્કો તરફ જોઈ રહ્યાં છે. નરેશ ગોયલ હાલ પણ તેના પ્રમોટર છે. તેમની પાસે એરલાઈનનો 51 ટકા હિસ્સો છે. આ કારણે કંપની ચલાવવી કે વેચવી તેમના માટે માથાનો દુ:ખાવા સમાન છે. બેન્કો પર વધુ લોન આપવા માટે દબાણ ન બનાવવું જોઈએ.
જેટના મેનેજમેન્ટે બુધવારે ઓપરેશન અચોક્કસ મુદત સુધી બંધ કરવાની જાહેરાત કરી હતી. અગાઉ મંગળવારે બેન્કોએ એરલાઈનને 400 કરોડ રૂપિયનું ઈમરજન્સી ફન્ડ આપવાથી ઈન્કાર કર્યો હતો. જેટે બેન્કોને પહેલાના 8,500 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.
બેન્કિંગ સેકટરના સૂત્રોનું કહેવું છે કે જેટની હાલત માટે બેન્કોને જવાબદાર ઠેરવવી ન જોઈએ. બેન્ક અધિકારીઓ નવ મહિનાથી જેટના મેનેજમેન્ટની સાથે વાતચીત કરી રહ્યાં હતા અને તેમની પાસે ઠોસ પ્લાન માંગી રહ્યાં હતા. જોકે પ્રમોટર નરેશ ગોયલ અને મેનેજમેન્ટે નિર્ણય લેવામાં ખૂબ જ વાર કરી હતી. ગોયલે 25 માર્ચે ચેરમેન પદ અને બોર્ડેમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ હિસ્સો વેચવાની ડીલ પર એપ્રિલના બીજા સપ્તાહમાં હસ્તાક્ષર કર્યા હતા. ત્યાં સુધીમાં મોટાભાગની ફલાઈટ્સો બંધ થઈ ગઈ હતી.