ઠપ થયાં બેંકિંગ કામકાજ, 10 લાખ કર્મચારીઓ હડતાળ પર…

નવી દિલ્હીઃ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની અપિલ પર આજે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના આશરે 10 લાખ કર્મચારીઓ હડતાળ પર છે. ત્યારે આવા સમયે બેંકોનું કામકાજ પ્રભાવિત થયું છે. આ હડતાળમાં કર્મચારીઓના 4 અને અધિકારીઓના 5 યુનિયન જોડાયા છે. આપને જણાવી દઈએ કે આ હડતાળ વિજયા બેંક અને દેના બેંકના બેંક ઓફ બરોડામાં પ્રસ્તાવિત વિલય વિરુદ્ધ અને વેતન વધારાની માંગને લઈને રાખવામાં આવી છે.

આ હડતાળને લઈને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સના ઉપાધ્યક્ષ અશ્વિની રાણાએ જણાવ્યું કે જે બેંકો યૂનિયન સાથે જોડાયેલી છે તેમાં કામકાજ નહી થાય. આમાં ફેડરલ, કર્ણાટકા, કરુર વૈશ્ય, ધનલક્ષ્મી, લક્ષ્મીવિલાસ, વગેરે સહિતની બેંકોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે સરકારી બેંકાના વિલયના વિરોધમાં અને વેતન વધારાની માંગણીને લઈને કર્મચારીઓ હડતાળનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં આ બીજી બેંક હડતાળ છે. આના પહેલા બેંક અધિકારીઓના યુનિયને પ્રસ્તાવિત વિલય અને વેતન સંશોધનના મુદ્દા પર 21 ડિસેમ્બરના રોજ પણ હડતાળ કરી હતી. ત્યારબાદ આજે ફરીથી સાર્વજનિક અને પ્રાઈવેટ સેક્ટરની બેંકોના આશરે 10 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર છે.

આપને જણાવી દઈએ કે સરકારે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના વિલયનો નિર્ણય કર્યો છે. આ મામલે કર્મચારી સંઘ વિરોધ કરી રહ્યા છે. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ અનુસાર બેંકોમાં પબ્લિકના પણ શેર છે. આના માટે સરકાર કોઈ નિર્ણય પોતાની જાતે ન લઈ શકે. કર્મચારી સંઘોએ આરોપ લગાવ્યો છે કે બેંકોને ખોટ પડી છે તેના માટે સરકાર જવાબદાર છે. છેલ્લા પાંચ દિવસમાં બેંકોમાં રજા અને હડતાળને લઈને માત્ર એક જ દિવસ કામ થયું છે.

આપને જણાવી દઈએ કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એ નવ બેંક યુનિયનોનું એક સંગઠન છે. આમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન ઓફ બેંક એપ્લાઈઝ, અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ સહિતના યૂનિયનો સમાવિષ્ટ છે.