ઓડીની ઓફરઃ પસંદગીની મોડેલ કાર પર 10 લાખ સુધી ડિસ્કાઉન્ટ આપશે

નવી દિલ્હી – જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડીએ ભારતમાં મર્યાદિત સમયગાળા માટે ગ્રાહક લાભ યોજના જાહેર કરી છે જેમાં એણે પોતાની અમુક પસંદગીના મોડેલવાળી કારની ખરીદી પર રૂ. 10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની ઓફર કરી છે.

ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થયા બાદ ભારતની કાર માર્કેટમાં કાર ઉત્પાદકો સામે નવા પડકારો ઊભાં થયા છે.

ઓડી ઈન્ડિયાના વડા રાહિલ અન્સારીએ કહ્યું છે કે અમારી કંપની એની પોપ્યૂલર મોડેલની કાર જેમ કે, A3, A4 અને A6 સિડાન તેમજ SUV Q3 પર જૂન મહિના સુધી રૂ. 2 લાખ 70 હજારથી લઈને રૂ. 10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. અમારું માનવું છે કે કોઈ પણ ગ્રાહક એની ડ્રીમ કારને ખરીદવાનું સપનું સાકાર કરી શકે છે. એમાં વધુ ઈમ્પોર્ટ ડ્યૂટી કે બીજા કરવેરા અવરોધ બની શકતા નથી.

2018-19ના કેન્દ્રીય બજેટમાં અરૂણ જેટલીએ મોટર કાર પરની કસ્ટમ્સ ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. ત્યારબાદ સરકારે મોટરકારોના ચોક્કસ છૂટા ભાગો કે એક્સેસરીઝ પરની કસ્ટમ્સ ડ્યૂટી પણ 7.5 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.

લક્ઝર કાર ઉત્પાદકોએ એ ડ્યૂટી વધારાનો બોજો કારની કિંમતમાં રૂ. 1 લાખથી લઈને રૂ. 10 લાખ સુધીનો વધારો કરીને ગ્રાહકોના માથે નાખી દીધો છે.

ઓડી ઈન્ડિયાએ 2017માં ભારતમાં 7,876 કાર વેચી હતી. પાછલા વર્ષ કરતાં એ આંક 2 ટકા વધારે હતો.