એપલ બની છે 1 ટ્રિલિયન ડોલર ($1,000,000,000,000)ની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની

વોશિંગ્ટન – દુનિયાભરનાં લોકોને ઘેલું લગાડનાર આઈફોન બનાવતી કંપની એપલ માર્કેટ વેલ્યૂની દ્રષ્ટિએ 1 ટ્રિલિયન ડોલર (1,000 અબજ ડોલર)ના આંકે પહોંચનાર અમેરિકાની તેમજ દુનિયાની પહેલી પબ્લિક લિસ્ટેડ કંપની બની છે. બીજા નંબરે એમેઝોન છે, જેની માર્કેટ કેપ 869 અબજ ડોલર છે.

સ્ટીવ જોબ્સે 1976માં સ્થાપેલી એપલ કંપનીનો શેર આજે 207.04નો બોલાતો હતો. આ વર્ષે એપલે 20 ટકા વધુ ફાયદો મેળવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 32 ટકા વધ્યો છે.

એપલ આવતા મહિને આઈફોન-X કરતાંય મોંઘો ફોન લોન્ચ કરવાની છે.

કંપનીનો નફો એટલા માટે વધી ગયો છે કે આઈફોનના અગાઉના તમામ મોડેલ્સની કિંમતમાં 20 ટકા વધારો કરવામાં આવ્યો છે.

કંપનીના સીઈઓ ટીમ કૂકનાં જણાવ્યા મુજબ, કિંમત વધારવામાં આવી હોવા છતાં આઈફોન-X આજે પણ દુનિયામાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન છે. એની કિંમત 999 ડોલરથી શરૂ થાય છે.