નકલી વેબસાઈટ્સ પર પેઈડ જાહેરખબરોના મામલે ગૂગલ ઈન્ડિયાને ‘અમૂલ’ની નોટિસ

આણંદ – નકલી વેબસાઈટ્સ પર ‘અમૂલ’ બ્રાન્ડની પેઈડ જાહેરખબરો દર્શાવવા બદલ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) કંપનીએ ગૂગલ ઈન્ડિયા, ગો-ડેડી ડોટ કોમને લીગલ નોટિસ મોકલી છે.

GCMMF તેની જાણીતી બ્રાન્ડ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (Amul)ના દૂધ તથા અન્ય મિલ્ક પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે. એણે નકલી વેબસાઈટ્સ પર અમૂલની પેઈડ જાહેરખબરો પ્રકાશિત થવા બદલ ઓનલાઈન સર્ચ એન્જીન જાયન્ટ ગૂગલ ઈન્ડિયાને કાનૂની નોટિસ મોકલી છે.

અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું છે કે અમે ગૂગલ ઈન્ડિયાને લીગલ નોટિસ મોકલી છે. નકલી વેબસાઈટ્સ અનુસાર, ગ્રાહકોને અમૂલની ફ્રેન્ચાઈઝ મેળવવા માટે રૂ. 3થી 6 લાખ ચૂકવવા પડે છે. અમે આ સંદર્ભમાં પોલીસ એફઆઈઆર પણ નોંધાવી છે.

અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢી

અમૂલે આ જ ગેરરીતિ બદલ વેબ હોસ્ટિંગ કંપની goDaddy.comને પણ લીગલ નોટિસ મોકલી છે.

કોઓપરેટિવ ફેડરેશનનું કહેવું છે કે ગૂગલ સર્ચ એડ્સનો ઉપયોગ કરીને 2018ના સપ્ટેંબરથી નકલી વેબસાઈટ્સ મારફત અમૂલ પાર્લર્સ અને વિતરકો સંબંધિત ઘણો નકલી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ઘણા તોફાની તત્ત્વો ગૂગલ સર્ચ એન્જીન ઉપર અમૂલ ફ્રેન્ચાઈઝી, અમૂલ પાર્લર, અમૂલ ડિસ્ટ્રીબ્યૂટર જેવા કીવર્ડ્સ સામે પેઈડ એડ ચલાવી રહ્યા છે અને અમૂલ સાથે બિઝનેસ કરાવી આપવાનું વચન આપીને લોકોને છેતરી રહ્યા છે.