એટલું બધું નુકસાન કર્યું કે ટ્રમ્પે 8 વર્ષ ટેક્સ ન ભર્યોઃ રીપોર્ટ

વોશિંગ્ટન-ઉદ્યોગપતિઓ કેટલો ટેક્સ ભરે છે તેના આંકડાઓના આધારે તેમની ધંધાકીય સફળતાનું માપ કાઢવામાં આવતું હોય છે. એમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા સફળ ઉદ્યોગપતિની વાત હોય તો આ સમાચાર કંઇક જુદું જણાવી રહ્યાં છે.  અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને 1985થી 1994 વચ્ચે કેસિનો અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં 1.17 અબજ ડોલર (8073 કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. નુકસાનના કારણે ટ્રમ્પને આ 10 વર્ષમાં 8 વખત કોઇ ટેક્સ ભરવાની જરૂર પડી ન હતી. અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સે ટ્રમ્પના ટેક્સ રિટર્ન્સ સાથે જોડાયેલા સત્તાવાર દસ્તાવેજોના આધારે આવો દાવો કર્યો છે.

આ દસ્તાવેજ સાર્વજનિક નથી કર્યા. આ રિપોર્ટ એટલા માટે મહત્વનો છે કારણ કે, 2016માં પ્રેસિડન્ટ ઇલેક્શનના પ્રચારમાં ટ્રમ્પે પોતાને કુશળ બિઝનેસમેન અને સોદેબાજીમાં માહેર ગણાવ્યાં હતાં. 

રિપોર્ટ અનુસાર, 1990માં ટ્રમ્પને બિઝનેસમાં 25 કરોડ ડોલરનું નુકસાન થયું છે. 1991માં પણ આટલું જ નુકસાન

થયું. જે ઉચ્ચ આવક ધરાવતા કોઇ અન્ય અમેરિકન ઇન્ડિવિડ્યૂઅલના નુકસાનની સરખામણીમાં બેગણી વધારે હતી. એવું નથી કે, ટ્રમ્પને ક્યારેય કોઇ ફાયદો જ નથી. ટ્રમ્પે 1985માં મેનહટ્ટનની મોરિટ્સ હોટલને 7.37 કરોડ ડોલરમાં ખરીદી હતી. 1989માં તેને 18 કરોડ ડોલરમાં વેચી. પરંતુ ટ્રમ્પનું નુકસાન એટલું વધારે હતું કે, આ વર્ષે પણ તેઓને ટેક્સ ચૂકવવો પડ્યો ન હતો.

પ્રેસિડન્ટ બન્યા બાદ ટ્રમ્પે દીકરાને બિઝનેસ સંભાળવા આપ્યો. પ્રેસિડન્ટ બન્યા બાદ ટેક્સ રિટર્નની જાણકારી આપવાનો ઇન્કાર કરી તેઓએ દાયકા જૂની પરંપરા પણ તોડી નાખી. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી તેમના રિટર્નનું ઓડિટ નહીં થાય ત્યાં સુધી તેઓ જાણકારી ના આપી શકે. ટ્રમ્પના ટેક્સ સંબંધિત આકંડાઓની મદદથી ડેમોક્રેટ્સ એ તપાસ કરવા ઇચ્છે છે કે ક્યાંય કોઇ ગરબડ તો નથી, કારણ કે ટ્રમ્પ બિઝનેસ ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યાં છે.