હવે ઘર ખરીદનાર ગ્રાહક બિલ્ડરને કોર્ટમાં લઈ જઈ શકશે…

નવી દિલ્હીઃ ફ્લેટ ખરીદનારા લોકોને સામાન્ય રીતે બિલ્ડર્સની દયા પર રહેવું પડે છે. તે લોકો પોતાનું ઘર ખરીદવા માટે રકમનું રોકાણ તો કરે છે પરંતુ પઝેશનને લઈને તેમની કોઈ દખલ હોતી નથી. ઘણાં મામલાઓમાં એવું પણ સામે આવ્યું છે કે જ્યારે ઘર ખરીદનારને 5 વર્ષ કરતા પણ વધારે સમય બાદ પોતાનું ઘર મળ્યું છે પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. સરકારે હોમબાયર્સને એક બિલ્ડરની મનમાની વિરૂદ્ધ એક મજબૂત હથિયાર ઉપલબ્ધ કરાવી આપ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈન્સોલ્વન્સી કાયદામાં સંશોધન વિધેયકને મંજૂરી આપી દીધી છે.  ઘર ખરીદનારને રીયલ એસ્ટેટ ડેવલપર્સના ફાઈનાન્શિયલ ક્રેડિટર માનવામાં આવશે. ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ સંશોધન વિધેયક 2018 અંતર્ગત હવે હોમ બાયર્સનું પણ કમિટી ઓફ ક્રેડિટર્સમાં પ્રતિનિધિત્વ હશે જે રીઝોલ્યુશન પ્રપોઝલ્સ પર વિચાર કરે છે. આનાથી ગ્રાહક પણ નિર્ણય લેનારી પ્રક્રિયાનો ભાગ હશે.

ઘર ખરીદનારને ગેરમાર્ગે દોરતા બિલ્ડર્સ વિરૂદ્ધ ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડના સેક્શન 7 અંતર્ગત કાર્યવાહી શરૂ કરી શકાશે. સેક્શન 7 અંતર્ગત ફાઈનાન્શિયલ ક્રેડિટર્સ દ્વારા ઈન્સોલ્વંસી રીઝોલ્યુશન પ્રોસેસ અંતર્ગત એક એપ્લિકેશન દાખલ કરી શકાશે. સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે હજારો હોમબાયર અધૂરા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને લઈને વર્ષોથી પોતાના સ્વપ્નનું ઘર પ્રાપ્ત કરવા માટે ભટકી રહ્યાં છે.