ઑલરાઉન્ડ વેચવાલીથી શેરબજારના સેન્સેક્સમાં 510 પોઈન્ટનું ગાબડુ

અમદાવાદ– શેરબજારમાં સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં વધુ મોટુ ગાબડું પડ્યું હતું. વર્લ્ડ ટ્રેડ વોર અને ટીડીપીએ એનડીએને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને તે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે, જે સમાચાર પાછળ ટ્રેડિંગ સેશન દરમિયાન શેરોની જાતે-જાતમાં ઑલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બીએસઈ સેન્સેક્સ 509.54(1.51 ટકા) ગબડી 33,176.00 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 165.00(1.59 ટકા) તૂટી 10,195.15 બંધ થયો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ વચ્ચે સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ફ્લેટ ખુલ્યા હતા. જો કે દિલ્હીમાં ટીડીપીએ મોદી સરકારને આપેલ ટેકો પાછો ખેંચ્યો છે, જેથી રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. પરિણામે માર્કેટમાં અવિશ્વાસના વાતાવરણ વચ્ચે શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. નિફટીએ 10,200ની અતિમહત્વની સપાટી તોડીને નીચે જતો રહ્યો હતો. જેથી માર્કેટમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

  • ઓએનજીસી, એચડીએફસી, મારુતિ, ટીસીએસ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલમાં જોરદાર વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
  • અમેરિકામાં આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે, જેમાં ફેડ રેટમાં વધારો કરવા અંગે નિર્ણય લેવાશે.
  • માર્કેટમાં ટ્રેડ વૉરનો ભય છે, જેથી ઓપરેટરો દરેક ઊંચા મથાળે વેચવાલ થઈ ગયા છે.
  • આઈએમએફના પ્રમુખે ટ્રેડ વૉર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
  • આજે શુક્રવારે માર્કેટ તૂટીને આવતાં રોકાણકારોના એક જ ટ્રેડિંગ સેશનમાં રુ.1.67 લાખ કરોડ ડુબી ગયા છે, એટલે કે માર્કેટ કેપમાં 1.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.
  • વેદાન્તા ગ્રુપની કંપની હિન્દુસ્તાન ઝિંકે ચાલુ નાણાકીય વર્ષમાં શેરદીઠ રુ.6નું વચગાળાનું ડિવિડંડ જાહેર કર્યું છે, આ સાથે કંપની શેરહોલ્ડરોને રુ.3051 કરોડનું ડિવિડંડ ચુકવશે.
  • દિલીપ બિલ્ડકોનને મધ્યપ્રદેશના એનએચએઆઈ તરફથી રુ.1004 કરોડનો ઓર્ડર મળ્યો છે, આ સમાચારથી દિલીપ બિલ્ડકોનમાં નવી ખરીદી આવી હતી.
  • બંધન બેંકના આઈપીઓનો આજે બીજા દિવસ હતો અને ભારત ડાયનામિક્સના આઈપીઓનો આજે ત્રીજો દિવસ હતો.
  • ભારત ડાયનામિક્સનો આઈપીઓ ઑવર સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે.
  • પબ્લિક સેકટરની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સનો આઈપીઓ આજે ખુલ્યો છે, તેના શેરની પ્રાઈઝબેન્ડ રુ.1215થી 1240 નક્કી કરાઈ છે. અને કંપની આઈપીઓ દ્વારા રુ.4,230 કરોડની મૂડી એકત્રિત કરવાની યોજના ધરાવે છે.