શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીઃ સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ

અમદાવાદ– શેરબજારમાં નવા વર્ષની શરૂઆતથી રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. આજે પણ સેન્સેક્સ અને નિફટીએ લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. રિઅલ એસ્ટેટ, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના શેરોમાં ભારે લેવાલી નિકળતાં તેજી વધુ આગળ વધી હતી. તેની સાથે કૉલ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને ઈન્ફોસીસ ટેકનોલોજીમાં જોરદાર લેવાલીથી તેજીને સપોર્ટ મળ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 34,488.03 અને નિફટીએ 10,659.15 ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 90.40(0.26 ટકા) વધી 34,443.19 બંધ રહ્યો હતો. નિફટી ઈન્ડેક્સ 13.40 વધી 10,637.00 બંધ થયો હતો.એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે સવારે જ સ્ટોક માર્કેટ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું હતું. ત્યાર બાદ આખો દિવસ લેવાલી વેચવાલી વચ્ચે બે તરફી વધઘટ રહી હતી, પણ બપોર બાદ તેજીવાળા અને એફઆઈઆઈની હેવીવેઈટ શેરોમાં લેવાલી ચાલુ રહી હતી. જેથી તેજીની આગેકૂચ રહી હતી. આવતું તમામ પ્રોફિટ બુકિંગ ખવાઈ ગયું હતું. જો કે એકતરફી તેજી પછી હાલ માર્કેટ હાઈલી ઓવરબોટ છે, જેથી રીએક્શન આવવાની શકયતા જોવાઈ રહી છે.

  • સોમવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 692 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 206 કરોડનું વેચાણ કર્યું હતું.
  • ઈલેક્ટ્રોસ્ટીલમાં 5 ટકાની તેજીની સર્કિટ લદાઈ હતી. આ કંપનીને ખરીદવા માટે વેંદાતાએ સૌથી મોટી બોલી લગાવી છે, તેમજ તેને ખરીદવામાં ટાટા ગ્રુપ પણ છે. જે સમાચાર પાછળ ઈલેક્ટ્રોસ્ટીલના શેરનો ભાવ 5 ટકા વધી રૂ.6.75 બંધ હતો.
  • આજે તેજી બજારમાં ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, પીએસયુ, મેટલ, ટેકનોલોજી સેકટરના શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી.
  • જ્યારે બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, આઈટી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલીની સાથે નફારૂપી વેચવાલી પણ આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 73.64 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 15.40 પ્લસ બંધ હતો.