ભારે વેચવાલીથી શેરબજારના સેન્સેક્સમાં 286 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ– શેરબજારમાં શરૂની મજબૂતી શરૂઆત બાદ ગાબડુ પડ્યું હતું. સતત ત્રીજા દિવસે પીએનબી અને ગીતાજંલી જેમ્સના શેરના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બેંક, ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે સેન્સેક્સ ઊંચા મથાળેથી 551 પોઈન્ટ નીચે પટકાયો હતો અને નિફટી ઈન્ડેક્સ વધ્યા મથાળેથી 178 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 286.71(0.84 ટકા) ઘટી 34,010.76 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 93.20(0.88 ટકા) ગબડી 10,452.30 બંધ થયો હતો.પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. જેથી આજે પંજાબ નેશનલ બેંક અને ગીતાજંલી જેમ્સના શેરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, અને શેરોના ભાવ વધુ ગબડ્યા હતા. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પાછળ ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ પ્લસ ખુલ્યા હતા. શરૂમાં નવી લેવાલીનો દોર ચાલુ હતો, પણ તેજીવાળા ખેલાડીઓએ સપ્તાહના છેલ્લા દિવસે ઊંચા મથાળે પ્રોફિટબુકિંગ કાઢ્યું હતું, જેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળેથી પછડાયા હતા.

  • પીએનબીમાં રુ.11,300 કરોડના કૌભાંડ પાછળ ત્રણ ટ્રેડિંગ સેશનમાં પીએનબીના શેરના ભાવમાં 24 ટકાનો કડાકો બોલી ગયો છે.
  • પીએનબીના શેરના ભાવમાં કડાકાને પગલે રોકાણકારોની રુપિયા 9200 કરોડનું મૂડીનું ધોવાણ થયું છે.
  • સેબીએ પીએનબી અને ગીતાજંલી જેમ્સની વચ્ચેના કનેક્શનની તપાસ શરૂ કરી દીધી છે. સેબીએ આ બન્ને કંપનીઓ વચ્ચેના ટ્રેડિંગ અને ડિસ્ક્લોઝર સાથે જોડાયેલા મુદ્દાની તપાસ શરૂ કરી છે.
  • પીએનબીના શેરનો ભાવ આજે રુ.2.70(2.10 ટકા) ઘટી રુ.125.60 બંધ રહ્યો હતો.
  • ગીતાજંલી જેમ્સના શેરનો ભાવ આજે રુ.9.35(19.94 ટકા) તૂટી રુ.37.55 લોઅર સર્કિટમાં બંધ રહ્યો હતો.
  • ગુરુવારે એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં કુલ રુપિયા 240.29 કરોડનું વેચાણ કર્યું હતું
  • ગુરુવારે સ્થાનિક નાણા સંસ્થાઓએ કુલ રૂપિયા 49 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, તેમ છતાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું.
  • આજે ઓટોમોબાઈસ, બેંક, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, ફાર્મા, મેટલ, પીએસયુ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી, આ તમામ સેકટોરલ ઈન્ડેક્સ માઈનસમાં બંધ હતા.
  • રોકડાના શેરોમાં પણ જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 200.89 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 222.41 તૂટ્યો હતો.
  • એમએસસીઆઈ ઈન્ડેક્સમાં ભારતનું વેઈટેજ ઘટી શકે છે, તેની ધારણાએ શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.
  • ભારતીય એક્સચેન્જોએ ઈન્ડેક્સ ડેટા વિદેશમાં નહી આપવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે વિદેશી રોકાણકારોની મુશ્કેલીઓ વધી શકે છે.