શેરબજારમાં ભારે લેવાલીથી સેન્સેક્સમાં 610 પોઈન્ટનો હાઈ જમ્પ

અમદાવાદ– શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજીનો પવન ફૂંકાયો હતો. સેન્સેક્સ 710 પોઈન્ટ અને નિફટીએ 194 પોઈન્ટનો હાઈ જમ્પ લગાવ્યો હતો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ શેરોની જાતે-જાતમાં જોરદાર લેવાલી આવી હતી. તેની સાથે મંદીવાળા ઓપરેટરોએ પણ મોટાપાયે વેચાણો કાપ્યા હતા. આજે આઈટીસી, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ જેવા હેવીવેઈટ શેરોમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. પરિણામે બીએસઈ સેન્સેક્સ 610.80(1.83 ટકા) ઉછળી 33,917.94 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 194.55(1.90 ટકા) ઉછળી 10,421.40 બંધ થયો હતો.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડવોર જાહેર કર્યુ છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત ડયૂટી વધારી છે. જે પછી આજે સપ્તાહના પ્રથમ દિવસે એશિયાઈ તમામ સ્ટોક માર્કેટ સ્ટ્રોંગ નોટ સાથે ખુલ્યા હતા. તેની પાછળ ભારતીય શેરોના ભાવ પણ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. તેજીવાળા ખેલાડીઓની સાથે મંદીવાળા ઓપરેટરોએ મોટાપાયે વેચાણ કાપણી કાઢી હતી, જેથી આજે ઉછાળો ઝડપી બન્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, જેથી શેરબજારમાં ઝડપી બાઉન્સબેક જોવાયો હતો.

  • યુએસ જોબ ડેટા ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા હતા, જેથી ગ્લોબલ સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી હતી.
  • સરકારી બેંકોનું સ્પેશ્યિલ ઓડિટ થશે, જે સમાચારથી સરકારી બેંકોના શેરોમાં ગાબડા ચાલુ રહ્યા હતા. નિફટી પીએસયુ બેંક ઈન્ડેક્સ 19 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
  • આજે આઈટી અને ટેકનોલોજી સ્ટોકમાં નવી લેવાલીથી તેજી ઝડપી બની હતી. એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, વિપ્રો, ટીસીએસ, કેપીઆઈટી, ટેક મહિન્દ્રા, ટાટા એલેક્સી જેવા શેરોમાં નવા બાઈંગ ઓર્ડર આવ્યા હતા, અને મજબૂતી આગળ વધી હતી.
  • એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, તેની સાથે મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી.
  • ભારતી એરટેલે બોન્ડ દ્વારા 6500 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજનાને આખરીરુપ આપ્યું છે, જે સમાચાર પાછળ ભારતી એરેટલ 4 ટકાથી વધુ ઊછળી ટોપ ગેઈનર્સ રહ્યો હતો.
  • લાર્સન ટુબ્રોને 2597 કરોડનો ઓર્ડર મળ્યો હોવાના સમાચાર આવ્યા હતા, જે પછી એલ એન્ડ ટીમાં નવી લેવાલીથી શેરનો ભાવ ઉછળ્યો હતો.
  • આંધ્ર બેન્કના પૂર્વ એક્ઝિક્યુટિવ વિરુધ્ધ ચાર્જશીટ ફાઈલ થઈ હોવાના સમાચાર હતા. જેથી આંધ્ર બેન્કના શેરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, અને શેરનો ભાવ 13 ટકા ગબડ્યો હતો.
  • રોકડાના શેરોમાં પણ જોરદાર લેવાલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 121 પોઈન્ટ પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 97.37 પ્લસ બંધ રહ્યો હતો.