એરટેલે કટ્ટરતાના આરોપોને ફગાવ્યાં, લઈ લીધો આ નિર્ણય

નવી દિલ્હીઃ ભારતી એરટેલ જાતિ અને ધર્મના આધાર પર આવનારી ફરિયાદો અને પ્રશ્નોનું વધારે સારી રીતે સમાધાન થઈ શકે તે માટે પોતાની કસ્ટમર રીસ્પોન્સ ટીમને ટ્રેનિંગ આપશે. થોડા સમય પહેલા એરટેલ પર કટ્ટરતાને વેગ આપવાનો આરોપ લાગ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે.

કંપનીએ એ આરોપને પણ ફગાવ્યો છે કે તેણે એક ગ્રાહકની માંગ પર પોતાના એક ખાસ ધર્મના કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ બદલી નાંખ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર ભવિષ્યમાં ભેદભાવના કોઈપણ પ્રકારના આક્ષેપોથી બચવા માટે કંપની પોતાના કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ્સને જાતીયતા સહિતના આધાર પર કોઈપણ ફરિયાદો માટે સંવેદનશીલ બનાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે અને એક્ઝિક્યુટીવ્સને સંવેદનશીલ બનાવવા માટે કંપની દ્વારા અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. કંપનીની પ્રાથમિકતા હંમેશા ગ્રાહક અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવું તે હશે.

ઉલ્લેખનીય છે કે સુનીલ મિત્તલની માલિકીવાળી કંપની એરટેલ પર સોશિઅલ મીડિયા પર ધાર્મીક કટ્ટરતાનો આરોપ લાગ્યો છે. આ મામલાની શરૂઆત સોમવારના રોજ શરૂ થઈ કે જ્યારે એક એરટેલ ગ્રાહકે સોશિઅલ મીડિયા પર કંપનીની સર્વિસ સાથે જોડાયેલી ફરિયાદ કરી. તેની ફરિયાદ પર કંપનીની ઓનલાઈન ટીમે જવાબ પણ આપ્યો. આના પર ગ્રાહકે જણાવ્યું કે તેની સમસ્યાનું સમાધાન અન્ય કોઈ એજન્ટ કરે કે જે એક વિશેષ ધર્મનો હોવો જોઈએ. ત્યારબાદ તે એજન્ટની જગ્યાએ અન્ય એક્ઝિક્યુટીવે જવાબ આપ્યો કે જે ગ્રાહક દ્વારા જણાવવામાં આવેલા ધર્મનો હતો.

અને બન્યું એવું કે આ મામલો સોશિઅલ મીડિયા પર છવાઈ ગયો. આને લઈને કંપનીએ સ્પષ્ટતા પણ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે એવું નથી કે એક્ઝીક્યુટિવ પાસે કેસ એટલા માટે ગયો કારણકે તે ગ્રાહકના ધર્મનો નહોતો પરંતુ પહેલા એક્ઝિક્યુટિવે લોગઆઉટ કરી દીધું હોવાથી આ કેસ અન્ય એક્ઝિક્યુટીવ પાસે ચાલ્યો ગયો.