માલ્યાની શાન ગણાતું ખાનગી વિમાન ટુકડેટુકડા કરી લઈ જવાશે વિદેશ

નવી દિલ્હી- દેશની બેંકોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશમાં ફરાર થનાર પૂર્વ સાંસદ અને મોટા ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રાઈવેટ વિમાનનો ભંગાર થવા જઈ રહ્યો છે. હક્કીકતમાં જે અમેરિકન કંપનીએ હરાજીમાં આ વિમાનને ખરીદ્યું હતું, તેમણે વિમાન તોડીને અમેરિકા મોકલવા કહ્યું છે. વિમાનને ડિસ્મેન્ટલ કર્યા બાદ તેના અલગ અલગ ટુકડાઓના રૂપમાં ફ્લોરિડા મોકલવામાં આવશે.

એક જમાનામાં વિજય માલ્યાની શાન હતું આ વિમાન

A319 નામનું આ ખાનગી વિમાન એક સમયે વિજય માલ્યાની શાન માનવામાં આવતું હતું. પરંતુ લોનની વસૂલાત માટે સરકારી વિભાગોએ માલ્યાના આ વિમાનને જપ્ત કરીને તેમની હરાજી કરી દીધી હતી. આ વિમાનમાં દરેક પ્રકારની લક્ઝૂરીયસ સુવિધાઓ ઉપલબ્ધ હતી. આ વિમાનને તેમનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવતું હતું.  હવે આ વિમાનને 34 કરોડ રૂપિયામાં ફ્લોરિડાની એક એવિએશન મેન્જમેન્ટ સેલ્સ કંપનીએ ખરીદ્યુ હતું.

મહામહેનતે વેચાયું વિમાન

ફાઈલ ચિત્ર

માલ્યાના વિમાન પર પ્રથમ ત્રણ હરાજીમાં કોઈ પણ ખરીદદારે બોલી લગાવી નહતી. આ પહેલા પણ માલ્યાનું અન્ય એક જેટ વિમાન પણ હરાજી બાદ તોડી પાડવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, માલ્યા પર બેંકોના 9000 કરોડ રૂપિયાથી વધુનું ઋણ છે. આ સાથે 800 કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ પણ બાકી છે. માલ્યા સામે ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે. ભારત સરકાર માલ્યાના પ્રત્યાર્પણ માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે.  માલ્યાના ભારત પરત લાવીને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.