દવાઓના ભાવ 10 ટકાથી વધુ વધારવા પર વ્યાજસહિત થશે વસૂલાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દવા બનાવતી કંપનીઓ અને આયાતકારોની મનમાની પર ગાળીયો કસવાની તૈયારી કરી લીધી છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ એક આદેશ કર્યો છે, જે અનુસાર દવા બનાવતી કંપનીઓ એક વર્ષમાં દવાઓ અથવા સાધનોની કીમતોમાં 10 ટકાથી વધુનો વધારો નહીં કરી શકે.

આ આદેશને ન માનનારી કંપનીઓનું લાયસન્સ રદ્દ થશે અને તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ આદેશ એનપીપીએએ પોતાના એ રીપોર્ટ બાદ જાહેર કર્યો છે કે જેમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે પ્રાઈવેટ હોસ્પિટલો પોતાના ત્યાં દવાઓના પેકીંગ અથવા તો ડબ્બા પર વધારે એમઆરપી લખાવે છે અને મોટી માત્રામાં નફો પ્રાપ્ત કરે છે.

કોના પર નિયમ લાગૂ

આ નિયમ તમામ પ્રકારની દવાઓ પર લાગુ થશે. પછી ભલે તે દવાઓની કીંમતો પર સરકારી નિયંત્રણ હોય કે ન હોય.

દંડ પણ લાગશે

જો દવા બનાવતી કંપનીઓ એક વર્ષના સમયગાળામાં એમઆરપીમાં 10થી વધારે કિંમતનો વધારો કરે તો વધારવામાં આવેલી કીંમત તેમની પાસે વ્યાજ સહિત વસુલવામાં આવશે. વધેલી કીંમતોનું વ્યાજ તે સમયથી લેવામાં આવશે જ્યારથી ખોટી રીતે એમઆરપી વધારવામાં આવી હશે. આ પ્રકારની કંપનીઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.