સ્ટીલ ઉત્પાદનમાં ભારતે મારી બાજી, મિત્ર જાપાનને ખસેડીને…

નવી દિલ્હીઃ જાપાન અને ભારતની દોસ્તી એમ તો જગબત્રીસીએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની પીએમ શિન્જો એબેની તસવીરો મૈત્રીની દ્રષ્ટિએ જોવામાં આવે છે. ત્યારે આ સમાચારે એ દોસ્તીમાં તંદુરસ્ત હરીફાઈનો એંગલ ઊમેર્યો છે.વાત એમ છે કે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે. વર્લ્ડ એસોસિએશન અનુસાર, સ્ટીલ ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાને છે. ગ્લોબલ સ્ટીલ ઉત્પાદનમાં ચીનની ભાગીદારી 51 ટકા છે. વર્લ્ડ સ્ટીલના તાજા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2018માં ચીનનું રો સ્ટીલનું ઉત્પાદન 6.6 ટકા વધીને 92.83 કરોડ ટન પહોંચી ગયું છે. 2017માં આ 87.09 કરોડ ટન હતું. ગ્લોબલ સ્ટીલ ઉત્પાદનમાં ચીનની ભાગીદારી 50.3 ટકાથી વધીને 51.3 ટકા થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

સ્ટીલ ઉત્પાદન કરતાં ટોપ-10 દેશોમાં અમેરિકા 8.67 કરોડ ટનના ઉત્પાદન સાથે ચોથા સ્થાન પર છે. બાદમાં દક્ષિણ કોરિયા 7.25 કરોડ ટન સાથે પાંચમા સ્થાન પર, રશિયા 7.17 કરોડ ટન સાથે છટ્ઠા સ્થાન પર, જર્મની 4.24 કરોડ ટન સાથે સાતમા સ્થાન પર, તુર્કી 3.73 કરોડ ટન સાથે આટમા સ્થાન પર, બ્રાઝિલ 3.47 કરોડ ટન સાથે નવમા સ્થાન પર અને ઈરાન 2.5 કરોડ ટન સાથે 10મા સ્થાન પર છે. અન્ય દેશોના લીસ્ટમાં ઈટલીએ ગત વર્ષે 2.45 કરોડ ટન સ્ટીલ ઉત્પાદન કર્યું હતું. ફ્રાંસે 1.54 કરોડ ટન અને સ્પેને 1.43 કરોડ ટન ઉત્પાદન કર્યું હતું.

રિપોર્ટ અનુસાર, ભારતનો કાચા સ્ટીલનું ઉત્પાદન 2018માં 4.9 ટકા વધીને 10.65 કરોડ ટન રહ્યું, જે 2017માં 10.15 કરોડ ટન હતું. જાપાનનું ઉત્પાદન આ દરમિયાન 0.3 ટકા ઘટીને 10.43 કરોડ ટન રહ્યું હતું. આ રીતે ભારતે સ્ટીલ ઉત્પાદનમાં જાપાનને પાછળ પાડી દીધું છે. વધુમાં, 2018માં ગ્લોબલ સ્ટીલ ઉત્પાદન 4.6 ટકા વધીને 180.86 કરોડ ટન રહ્યું, જે 2017માં 172.98 કરોડ ટન રહ્યું હતું.