બુલેટ ટ્રેન માટે પુલો અને સુરંગોની ડિઝાઈનિંગનું કામ 80 ટકા પૂર્ણ

મુંબઈઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલનારી દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બુલેટ ટ્રેનના રસ્તામાં આવનારા પુલો અને સુરંગોની ડિઝાઈનિંગનું કામ ખૂબ વેગવંતુ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે સાથે આ મહત્વકાંક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો જેને 2022 સુધી પૂર્ણ કરવાનું અનુમાન છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના એમડી અચલ ખરેએ જણાવ્યું કે બુલેટ ટ્રેન પરિયાજના પર કામ કરી રહેલા દિલ્હી, મુંબઈ અને જાપાનના એંન્જીનિયરોએ પુલો, સેતુઓ અને સુરંગોની આશરે 80 ટકા ડિઝાઈનિંગ પૂરી કરી દિધી છે.

પ્રસ્તાવિત રેલ કોરિડોર મુંબઈમાં બાંદ્રા કુર્લાથી શરૂ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર પૂર્ણ થશે. તેમણે જણાવ્યું કે રૂટનો સર્વે અને માટીની તપાસનું કામ ચાલી રહ્યું છે. તો આ સાથે જ બંન્ને રાજ્યોમાં ભૂમિ અધિગ્રહણનું પ્રાથમિક કાર્ય શરૂ થઈ ગયું છે.