સર્વેમાં દાવો: નોલેજ ઈકોનોમીમાં નોકરીને લાયક નથી 80 ટકા ભારતીય એન્જિનિયર

નવી દિલ્હી- વાર્ષિક એમ્પ્લોયેબિલિટી સર્વે 2019માં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં એન્જિનિયર્સની ગુણવત્તા આજે પણ એક દાયકા પહેલા જેવી હતી તેવી જ છે તેમાં જરા પણ સુધારો થયો નથી. ભારતીય એન્જિનિયર્સ આ સ્કિલ્સથી જોજનો દૂર છે. આ અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો કે 80 ટકા ભારતીય એન્જિનિયર નોલેજ આધારીત અર્થવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની નોકરી મેળવવાને પાત્ર નથી. સરકારે શિક્ષણ પ્રથામાં જે સુધારા કર્યા તેની કોઈ અસર જોવા મળી નથી. જેથી દેશમાં બેરોજગારીનો આંક દિવસેને દિવસે ઊંચો જઈ રહ્યો છે. સર્વેમાં કોડ લખવાની ભારતીય એન્જિનિયરોની ક્ષમતા પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે.

સર્વેમાં જણાવામાં આવ્યું છે કે, માત્ર 4.6 ટકા ભારતીય જોબ એપ્લિકન્ટ્સ પાસે કોડિંગની સારી સ્કિલ છે. જોકે, ચીનની સરખામણીએ આ આંકડો સારો છે. ચીનમાં કુલ નોકરીના માત્ર 2.1 ટકા ઉમદવારો પાસે જ કોડિંગની સ્કિલ છે.

અમેરિકામાં 18.8 ટકા કેન્ડિડેટ સાચા કોડ લખી શકે છે. થોડી એરર સાથે કોડ લખી શકનારાઓની સંખ્યા ગણીએ તો ચીન અને ભારત વચ્ચેનું અંતર ઘટીને 8.6 ટકા અને 9.8 ટકા જેટલું થઈ જાય છે. મહત્વની  વાત એ છે કે ચીનની સરખામણીએ ભારતમાં વધુ એન્જિનિયર્સ કોમ્પલાયેબલ કોડ લખી શકતા નથી. આ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતે કોડિંગ સ્કિલ વિકસાવવાની દિશામાં કામ કરવું જોઈએ. ભારતમાં અમેરિકા કરતા ચાર ગણા વધારે એન્જિનિયર્સ હોવા છતાં ભારત આ બાબતમાં યુ.એસ કરતા પાછળ છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દુનિયાનો ચહેરો બદલી રહી છે ત્યારે માત્ર 2.5 ટકા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ પાસે આ ફિલ્ડમાં કારકિર્દી બનાવવાની આવડત છે. સર્વેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય એન્જિનિયર્સ કોલેજ સુધી જ સીમિત રહે છે તેમને ઈન્ડસ્ટ્રીનો અનુભવ ભાગ્યે જ મળે છે. માત્ર 47 ટકા વિદ્યાર્થી ઈન્ડસ્ટ્રી ટોક્સ એટેન્ડ કરે છે. આથી ભારતીય એન્જિનિયર્સ માટે મોટા પાયે કાઉન્સેલિંગ પ્રોગ્રામ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોય તેવા પ્રોગ્રામ્સની જરૂર છે.