અમેરિકી ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવાની લાઈનમાં 75% ભારતીય

નવી દિલ્હીઃ જો તમે એક યુવા ગ્રેજ્યુએટ ભારતીય છો અને ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરીને અમેરિકામાં કામ કરવા ઈચ્છો છો તો એવું પણ બની શકે કે તમારે આના માટે આખી જીંદગી રાહ જોવી પડે. હકીકતમાં અમેરિકામાં ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવા માટે લાઈનમાં ઉભેલા લોકોની કુલ સંખ્યા પૈકી 75 ટકા જેટલા ભારતીયો છે. યૂએસસીઆઈએસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ અનુસાર મે 2018 સુધી રોજગાર આધારિત પ્રાથમિકતા શ્રેણી અંતર્ગત 3,95,025 વિદેશી નાગરિક ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવા માટે લાઈનમાં હતા. આ લોકો પૈકી 3,06,601 જેટલા ભારતીયો હતા.

તો આ સીવાય ગ્રીન કાર્ડ લેવાની કતારમાં ચીની લોકો બીજા નંબર પર છે. અત્યારે 67,031 ચીની નાગરિકો ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવાની રાહ જોઈ રહ્યા છે. જો કે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા અન્ય દેશોના લોકોની સંખ્યા 10,000 થી વધારે નથી. ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવા માટે લાઈનમાં ઉભેલા અન્ય દેશોના નાગરિકોમાં અલ સલ્વાડોરના7,252 લોકો, ગ્વાટેમાલાના 6,027 લોકો, હોંડુરાસના 5,402 લોકો, ફિલીપીંઝના 1,491 લોકો, મેક્સિકોના 700 લોકો અને વિયેતનામના 521 જેટલા લોકો છે.

અમેરિકાના વર્તમાન કાયદા અનુસાર એક નાણાકિય વર્ષમાં કોઈપણ દેશના 7 ટકાથી વધારે નાગરિકોને ગ્રીન કાર્ડ ન આપવામાં આવી શકે અને એટલા માટે જ ભારતીયોને અમેરિકામાં સ્થાયી નિવાસી બનવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. સ્થાયી નિવાસમાં 7 ટકા કોટાની સૌથી વધારે કરાબ અસર ભારતીય અમેરિકન લોકો પર પડી છે. આમાંથી વધારે ભારતીયો હાઈ સ્કિલ વાળા હોય છે અને મુખ્યત્વે તે લોકો એચ-1બી વીઝા પર અમેરિકા આવે છે. કોટાના કારણે ભારતના કૌશલ યુક્ત પ્રવાસિઓ માટે ગ્રીન કાર્ડની રાહ જોવાનો સમયગાળો 70 વર્ષ સુધીનો હોઈ શકે છે.