જીએસટીમાં એક વર્ષમાં રૂ. 3,026 કરોડની કરચોરી પકડાઈ

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ની કુલ રૂ. 3,026.55 કરોડની કરચોરીના 1,205 કેસ શોધી કાઢ્યા છે. આ કરચોરી ઈનપુટ ટેક્સ ક્રેડિટના દુરુપયોગ અને વેરો ન ચૂકવવાને લગતી છે.

નાણાં ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ આ જાણકારી રાજ્યસભામાં આપી હતી. એમણે કહ્યું કે આ કરચોરી જુલાઈ-2017 અને જૂન-2018 વચ્ચેના સમયગાળામાં થયાનું માલૂમ પડ્યું છે.

આ કેસો ઈનપુટ ટેક્સ ક્રેડિટના દુરુપયોગ, જીએસટી રિટર્ન્સમાં મિસડેક્લેરેશન, જીએસટી રિટર્ન્સમાં ડિક્લેર કરવા છતાં જીએસટી ન ચૂકવવા તેમજ જીએસટી રિટર્ન્સ ફાઈલ ન કરી ટેક્સ પણ ન ચૂકવવાને લગતા છે.

આ વર્ષના મે અને જૂન મહિનાઓમાં જ રૂ. 1,320 કરોડના કેસ શોધી કાઢવામાં આવ્યા છે.

સરકારે જે કુલ વેરો વસુલ કર્યો છે એમાં 79.53 ટકા ટેક્સ જેમનું બિઝનેસ ટર્નઓવર રૂ. 500 કરોડથી વધુનું છે એમની પાસેથી વસુલ કરાયો છે.