શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ વધુ 100 પોઈન્ટ ઊંચકાયો

અમદાવાદ– શેરબજારમાં એકતરફી તેજીની આગેકૂચ રહી હતી. નવા વર્ષના ટ્રેડિંગ સેશનના બીજા દિવસે ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ બ્લુચિપ અને ઈન્ડેક્સ બેઈઝડ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ વધુ 100.62(0.31 ટકા) વધી 32,607.34 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 22.85(0.22 ટકા) વધી 10,207.70 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી વચ્ચે મોદી સરકાર ઈકોનોમીને બુસ્ટ આપવા માટે આ સપ્તાહે જ રાહત પેકેજની જાહેરાત કરે તેવી શકયતા છે. તેમજ જીએસટીમાં રાહતની સંભાવના છે. જેથી આજે સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા મથાળે મજબૂત ખુલ્યા હતા. વળી ગુરુવારે ઓકટોબર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, જે અગાઉ મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં વેચી ગયેલાઓની કાપણી હતી. સેન્સેક્સ અને નિફટીએ દીવાળીના મુહૂર્તના ટ્રેડિંગના હાઈ લેવલને ક્રોસ કર્યા હતા, જેથી વેચાણો કપાયા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. તેમજ આજે જાહેર થયેલા કંપનીઓના બીજા કવાર્ટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા હતા. જેથી શેરબજારનો જનરલ અંડરટોન તેજીનો રહ્યો હતો.

  • આજે મેટલ, રીયલ્ટી, એફએમસીજી, બેંક, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં નવી લેવાલી આવી હતી.
  • જો કે ઓટો, આઈટી, ફાર્મા અને કેપિટલ ગુડઝ સેકટરના શેરોમાં વેચવાલીથી પ્રેશર રહ્યું હતું.
  • 150થી વધુ સ્ટોક વર્ષના નવા હાઈ પર હતા.
  • રોકડાના શેરોમાં સામાન્ય લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 33.76 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 95.13 ઊંચકાયો હતો.
  • ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાઈનાન્સનો નફો 25.8 ટકા વધી રૂ.861 કરોડ આવ્યો છે.
  • ચંબલ ફર્ટિલાઈઝરનો બીજા કવાર્ટરનો નફો 23.6 ટકા વધી રૂ.141.30 કરોડ આવ્યો
  • ઝી એન્ટરટેઈન્મેન્ટનો નફો 2.5 ગણો વધી રૂ.591 કરોડ નોંધાયો
  • કેન ફિન હોમ્સનો નફો 36 ટકા વધી રૂ.75 કરોડ આવ્યો
  • એશિયન પેઈન્ટ્સનો નફો 20 ટકા વધી રૂ.594 કરોડ થયો
  • એચડીએફસી બેંકનો નફો 20 ટકા વધી રૂ.4,151 કરોડ આવ્યો
  • કેન્દ્ર સરકારે ભારતમાલા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. જેમાં 7 લાખ કરોડના મેગા હાઈવે પ્લાન મજૂર થયા છે. આ પ્રોજેક્ટ અનુસાર પ્રથમ તબક્કામાં 24,800 કિલોમીટરનો નેશનલ હાઈવે બનાવાશે. પાંચ વર્ષમાં 83 હજાર કિલોમીટરના હાઈવે બનશે.