અક્ષરધામ આતંકી હૂમલાનો માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ અજમેરી ઝડપાયો

અમદાવાદ– ગાંધીનગરના અક્ષરધામમાં 2002માં આતંકી હૂમલો થયો હતો, જેમાં 32 નિર્દોષ લોકોના મોત થયાં હતાં. આ આતંકવાદી હૂમલાનો માસ્ટર માઈન્ડ અને મુખ્ય કાવતરાખોર અબ્દુલ રશીદ અજમેરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને હાથે ઝડપાયો છે. અબ્દુલ રશીદ અજમેરી રીયાધથી અમદાવાદ એરપોર્ટ પર આવતાં ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો.25 સપ્ટેમ્બર, 2002ના ગોઝારા દિવસે ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરમાં હથિયારોની સજ્જ થઈને બે આતંકવાદીઓ ઘૂસી ગયાં હતાં, અને અંધાધૂધ ગોળીબાર કર્યા હતાં. ગ્રેનેડો ઝીક્યાં હતાં. આ ભીષણ હૂમલામાં કુલ 32 લોકોના મોત થયાં હતાં. આ હૂમલો થયો ત્યારે મંદિરમાં 500થી વધુ શ્રદ્ધાળુઓ હતાં. 29 શ્રદ્ધાળુઓના મોત થયાં હતાં અને રાજ્યનો એક પોલીસ ઓફિસર અને એક કમાન્ડો શહીદ થયાં હતાં. 79 શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં હતાં.

જાણકારી મળ્યા મુજબ અબ્દુલ રશીદ અજમેરી હૂમલા બાદ 15 વર્ષ સુધી સાઉદના રીયાધમાં હતો. રીયાધથી તે ગઈકાલ શુક્રવાર મોડીરાતે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. ચોક્કસ બાતમીને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૉચ ગોઠવી હતી, અને જેવો અબ્દુલ રશીદ અજમેરી દેખાયો તેવો તેને ઝડપી પાડ્યો હતો. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે અબ્દુલ રશીદ શા માટે ગુજરાતમાં આવ્યો, અને તે શું ફરીથી આતંકી હૂમલાનો અંજામ આપવા આવ્યો હશે, એવા અનેક સવાલો થાય. પણ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ અને તપાસમાં તમામ વિગતો ખુલશે.