Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબે અને તેમના પત્ની એકી એબે તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ એવી આર્ટના ઉત્તમ નમૂના જેવી લાલ દરવાજા ખાતે આવેલ સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન શિન્ઝો એબે, અકી આબે અને ભારતના વડાપ્રધાન આ કલાત્મક જાળીઓની કોતરણી અને તેના ઇતિહાસથી ખુબજ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન જાપાનીઝ ડેલીગેશને પણ સિદી સૈયદની જાળીને રસપૂર્વક નિહાળી હતી. તાજેતરમાં જ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો અમદાવાદ શહેરને વૈશ્વિક દરજ્જો પ્રાપ્ત થયો છે. એવા આ ઐતિહાસિક શહેરમાં કળાનો ઉત્તમ નમૂનો એટલે સિદી સૈયદની જાળી. જેને મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો આફ્રિકા સાથેનો ઘનિષ્ઠ સંબંધ આ મસ્જિદના કર્તા સિદી સૈયદ સાથે જોડાયેલો છે. આ જાળીનું મૂળભૂત રીતે વર્ષ-૧૫૭૩માં નિર્માણ થયું હોવાનું મનાય છે. બે કલાત્મક જાળીઓ વચ્ચે ત્રીજી જાળીના સ્થાને કોતરણીના બદલે આખા પથ્થર મૂકવામાં આવ્યા છે.

લાલ રેતિયા પથ્થરની આ જાળી પ્રથમ નજરે તો એકજ પથ્થરમાંથી તૈયાર કરેલી લાગે, પરંતુ તેમાં નાના-નાના અનેક ટૂકડાને એટલી સૂક્ષ્મતાથી જોડવામાં આવ્યા છે કે તે એક જ લાગે. સદીઓ બાદ પણ આજે તેની મોહકતા-કોતરણી અકબંધ છે. આ બેનમૂન જાળીઓને કારણે જ મૂળ આફ્રિકાના વતની સિદી સૈયદનું નામ જગપ્રસિદ્ધ થયું છે. અત્યંત મોહક કોતરણી ધરાવતી લાલ રેતિયા પથ્થરમાંથી બનાવેલી આ સિદી સૈયદની જાળી એ ૬૦૦ વર્ષ જૂના અમદાવાદ શહેરની આગવી ઓળખ છે. આ સિદી સૈયદની જાળીને જોવા અને માણવા રશિયાના અંતિમ ઝાર નિકોલસ કે જે દ્વિતિય યુવરાજ હતો ત્યારે તેને વિશ્વ પ્રવાસના ભાગરૂપે ૧૮૯૦માં આવ્યો હતો. જ્યારે ૧૯૬૧માં બ્રિટનના રાણી એલિઝાબેથ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જાપાનના વડાપ્રધાન એબે અને ભારતના વડાપ્રધાન મોદીની આજની મુલાકાતથી તેના સોનેરી ઇતિહાસમાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS