Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

(સંજય કચોટ દ્વારા)

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)એ 1936ની સાલમાં વિશ્વની પહેલી ટેલિવિઝન સેવાઓનો આરંભ કર્યો તેના બે દસકાથી થોડો વધુ સમય વીતી ગયો તે પછી એટલે કે 1959ની 15મી સપ્ટેમ્બરે ભારતમાં દિલ્હી ખાતે ટેલિવિઝન સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. યુનેસ્કો સંસ્થાની સહાયથી જ ભારતમાં ટેલિવિઝન સેવાઓ ચાલુ કરી શકાઈ હતી. આ સેવાનો આરંભ કરવામાં આવ્યો તે પછી શરૂઆતના અઠવાડિયામાં બે જ દિવસ પ્રોગ્રામોનું પ્રસારણ કરવામાં આવતું હતું. આ પ્રસારણ પણ દિવસના એક કલાક સુધી જ કરવામાં આવતું હતું. આ પ્રોગ્રામોમાં પણ ખાસ કરીને સામુદાયિક આરોગ્ય, ટ્રાફિક, નાગરિકોની રસ્તાઓ પર હરવાફરવા અંગેની સૂઝ કે સમજણ અને ફરજો તથા તેમના અધિકારો વગેરેની વિગતો આ પ્રોગ્રામ્સના માધ્યમથી રજૂ કરવામાં આવતી હતી.

1961ની સાલમાં આ પ્રોગ્રામનો વ્યાપ વધારીને તેમાં સ્કૂલ એજ્યુકેશન ટેલિવિઝન (એસટીવી) પ્રોજેક્ટનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ભારતમાં ટેલિવિઝનના ક્ષેત્રના વિકાસનો સૌથી પહેલા અને મોટા તબક્કાનો આરંભ 1972ની સાલથી થયો હતો. 1972ની સાલમાં મુંબઈમાં બીજા ટેલિવિઝન સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1973ની સાલમાં શ્રીનગર અને અમૃતસરમાં અને 1975ની સાલમાં કલકત્તા, મદ્રાસ અને લખનૌમાં ટેલિવિઝન સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો.

ટેલિવિઝનના ક્ષેત્રના પહેલા 17 વર્ષની વાત કરીએ તો ટેલિવિઝન પ્રસારણની કામગીરી અટકી અટકીને આગળ વધી હતી. એ સમયમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં જ ટેલિવિઝનના પ્રોગ્રામોનું પ્રસારણ કરવામાં આવતું હતું. જોકે 1976 સુધીમાં દેશના જુદા જુદા આઠ વિસ્તારોમાં ટેલિવિઝન સ્ટેશન સ્થપાઈ ગયા હતા. 75000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા વિસ્તારમાં વસતા 4.5 કરોડ લોકો સુધી આ પ્રોગ્રામ ત્યારે પહોંચવા માંડ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયોના જ એક હિસ્સા તરીકે વ્યાપક ટેલિવિઝન સિસ્ટમનો વહીવટ કરવામાં આ તબક્કે ખાસ્સી તકલીફ પણ પડતી હતી. તેથી સરકારે દૂરદર્શનની રચના કરી હતી. દૂરદર્શન એ નેશનલ ટેલિવિઝન નેટવર્ક હતું અને માહિતી અને પ્રસારણ ખાતા હેઠળ કામ કરતું હતું.

1970ના દાયકામાં ભારતીય ટેલિવિઝન સેક્ટરના વિકાસને પ્રેરનારા ત્રણ મુખ્ય પરિબળો હતા. સૌથી પહેલું પરિબળ હતું સેટેલાઈટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (સાઈટ). આ સાઈટની કામગીરી 1975ના ઓગસ્ટથી 1976ના જુલાઈના ગાળામાં ચાલતી હતી. આ સેટેલાઈટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (સાઈટ)નો ઉપયોગ છ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો હતો. તેની પાછળનો મૂળભૂત ઉદ્દેશ ટેલિવિઝનનો ઉપયોગ વિકાસ માટે જ કરવાનો હતો. જોકે તે વખતે ટેલિવિઝન પર મનોરંજન આપતા કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો જ હતો. તેને પરિણામે ટેલિવિઝન વ્યાપક રીતે આમ જનતાની વધારે નજીક આવ્યું હતું. ત્યારબાદ ‘ઈન્સેટ વન-એ’ નામના ઉપગ્રહનું આગમન થયું હતું. ‘ઈનસેટ વન-એ’ એક સંદેશ વિનિમય માટેનો ઉપગ્રહ છે. આ ઉપગ્રહ 1982ની સાલમાં સક્રિય થઈ ગયો હતો. તેની મદદથી જ દરેક પ્રાદેશિક દૂરદર્શન કેન્દ્રોને એક નેટવર્કમાં લાવી દેવા શક્ય બન્યા હતા. આમ 1982 પછી પહેલીવાર દૂરદર્શન ‘નેશનલ પ્રોગ્રામ’નો આરંભ કરી શક્યું હતું. આ નેશનલ પ્રોગ્રામ દિલ્હીથી તૈયાર કરવામાં આવતા હતા અને દરેક દૂરદર્શન કેન્દ્રો પરથી તે પ્રસારિત કરવામાં આવતા હતા. નવેમ્બર 1982માં ભારતમાં એશિયન ગેમ્સના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે જ સરકારે એશિયન ગેમ્સનાં કલર કવરેજનો આરંભ કર્યો હતો.

એંસીનો દાયકો પણ દૂરદર્શનને માટે મહત્વનો રહ્યો હતો. એ દાયકામાં હમલોગ (1984), બુનિયાદ (1986-87) જેવી સામાજિક વિષય વસ્તુઓ પરની શ્રેણીઓનું પ્રસારણ કરવા ઉપરાંત લાખો લોકોને ટેલિવિઝનના સ્ક્રિનની સામે બેસી જવાની ફરજ પાડતી દંતકથા સમાન રામાયણ (1987-88) અને મહાભારત (1988-89) સિરિયલોનું પ્રસારણ થયું હતું. એ તારીખ સુધીમાં ટેલિવિઝન દેશના 90 ટકા લોકો સુધી પહોંચી ચૂક્યું હતું. દેશના જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા 1400 જેટલા પ્રાદેશિક ટ્રાન્સમીટર્સની મદદથી દરેક કાર્યક્રમો તેમના સુધી પહોંચી રહ્યા છે. ટેલિવિઝનના ક્ષેત્રના વિકાસને વેગ આપનારું ત્રીજું પરિબળ 1990ના દાયકાના આરંભમાં જોવા મળ્યું હતું. આ ગાળામાં વિદેશની પ્રોગ્રામ ચેનલ સીએનએન અને સ્ટાર ટીવીએ વિદેશના પ્રોગ્રામોનું ભારતના ટેલિવિઝન પર પ્રસારણ કરવાનું ચાલુ કરી દીધું હતું. તેના થોડા સમય પછી ઝી ટીવી, સન ટીવી જેવી ચેનલોએ ભારતીયોના ઘરમાં પ્રવેશ કરવાનો આરંભ કર્યો હતો. ટેલિવિઝન પરથી કાર્યક્રમો પ્રસારિત કરવા પર સરકારે ધીરેધીરે અંકુશો ઓછા કરવા માંડ્યા તે સાથે જ ભારતીય ટેલિવિઝન સેક્ટરનો વિકાસ થવા માંડ્યો હતો. તેની સાથે જ 1995ના અરસાથી કેબલ ટીવીનો આરંભ થતાં ઘેર-ઘેર મળતા મનોરંજનના ક્ષેત્રમાં બહુ જ મોટી ક્રાન્તિ આવી ગઈ હતી.

2015-16ની સાલમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા વાર્ષિક અહેવાલમાં આપવામાં આવેલી વિગતોને આધારે આપણે વાત કરીએ તો ભારત એ ચીન પછીનું વિશ્વનું સૌથી મોટું ટેલિવિઝન માર્કેટ છે. ઉદ્યોગના અંદાજ મુજબ માર્ચ 2016ની સ્થિતિએ ભારતમાં મોજૂદ 28.41 કરોડ ઘરમાંથી 11.81 કરોડ ઘરમાં ટેલિવિઝન છે. આ ટેલિવિઝન પર કેબલ સર્વિસ, ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ), આઈપીટીવી સર્વિસના માધ્યમથી અને મદદથી કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. દૂરદર્શનના ટેલિવિઝન નેટવર્ક ઉપરાંત ડીટીએચ સર્વિસ અને આઈપીટીવી સર્વિસ પણ ટેલિવિઝનના કાર્યક્રમોનું પ્રસારણ કરી રહ્યા છે. અત્યારે પે ટીવીના ક્ષેત્રમાં અંદાજે 10.21 કરોડ કેબલ સબસ્ક્રાઈબર્સ છે. તેમાંથી 8.86 કરોડ સબસ્ક્રાઈબર્સ ડી.ટી.એચ. સાથે સંકાળેયા છે. તેમાં 5.85 કરોડથી વધુ સક્રિય સબસ્ક્રાઈબર્સનો પણ સમાવેશ થાય છે. તેમ જ તેમાં પાંચ લાખથી વધુ આઈપીટીવી સબસ્ક્રાઈબર્સનો પણ તેમાં જ સમાવેશ થાય છે. દૂરદર્શનના પ્રાદેશિક નેટવર્કની મદદથી દેશના 92.62 ટકા લોકો સુધી પ્રોગ્રામ્સ પહોંચી રહ્યા છે. આ પ્રોગ્રામ્સને લોકો સુધી પહોંચાડવામાં પ્રાદેશિક ટ્રાન્સમીટર્સની પણ બહુ જ મોટી ભૂમિકા રહેલી છે.

કુલ મળીને દેશમાં 48 પે બ્રોડકાસ્ટર્સ છે. તેમની સાથે અંદાજે 60,000 કેબલ ઓપરેટર્સ, 6000 મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ અને છ પે (પૈસા લઈને) ડીટીએચ સેવા પૂરી પાડતા ઓપરેટર્સ સંકળાયેલા છે. તદુપરાંત પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર (દૂરદર્શન) મફતમાં પ્રોગ્રામ પ્રસારણ કરવા માટેની ફ્રી ટુ એર ડીટીએચ સર્વિસ પણ પૂરી પાડે છે. સરકારના માહિતી અને પ્રસારણ ખાતામાં રજિસ્ટર્ડ થયેલા 869 ટીવી ચેનલ્સ છે. 2015-16ના સાલના અંતે તેમાંથી 205 પે ટીવી ચેનલ્સની સ્ટાન્ડર્ડ ડેફિનેશનમાં આવે તેવી છે. તેમાં 5 એડવર્ટાઈઝમેન્ટ – ફ્રી ચેનલ્સનો પણ સમાવેશ થાય છે. તેમાંથી 58 ચેનલ હાઈડેફિનેશન પ્રોગ્રામ્સનું પ્રસારણ કરતી પે ટીવી ચેનલ્સ છે.

ભારતનો ટેલિવિઝન ઉદ્યોગ 2014-15ની સાલમાં રૂા. 4,75,003 કરોડનો હતો તે 2015-16માં વધીને રૂા. 5,42,003 કરોડના આંકનો આંબી ગયો હતો. આમ એક જ વર્ષમાં તેનો વિકાસ દર 14.10 ટકાનો રહ્યો છે. આ ઉદ્યોગને થતી આવકનો મુખ્ય સ્રોત સબસ્ક્રિપ્સનને કારણે થતી આવક જ રહ્યો છે. 2014-15ની સાલમાં સબસ્ક્રિપ્શનને કારણે થતી આવક રૂા. 3,20,003 કરોડ હતી તે 2015-16ની સાલમાં વધીને 3,61,003 કરોડની થઈ છે. આ જ રીતે 2014-15ની સાલમાં જાહેરાત થકી તેમને થયેલી આવક રૂા. 1,55,002 કરોડ હતી તે 2015-16ની સાલમાં વધીને 1,81,003 કરોડની થઈ ગઈ હતી. છેલ્લા એક જ દાયકાની વાત કરીએ તો કેબલ અને સેટેલાઈટ ટીવી માર્કેટમાં દમદાર અને મહત્વના પરિવર્તનો જોવા મળ્યા છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવું પરિવર્તન ભારતના કેબલ સેક્ટરના ડિજિટાઈઝેશનનું છે.

ભારતમાં ટેલિવિઝનનું ભાવિ

સબસ્ક્રાઈબર્સની સંખ્યાની દ્રષ્ટિએ જ વાત કરવામાં આવે તો એશિયા પેસિફિક પ્રદેશમાં ભારતનું ટેલિવિઝન માર્કેટ સબસ્ક્રિપ્શન પર આધારિત સૌથી મોટું ટેલિવિઝન માર્કેટ છે. 2020ની સાલ સુધી આ માર્કેટમાં દસ ટકાથી વધુનો વિકાસ દર જળવાઈ રહેશે. વિશ્વના ઘણાં ઓછા દેશોમાં ટેલિવિઝન સેક્ટરનો વિકાસ દર આટલો ઊંચો હોવાનું જોવા મળે છે. જોકે સમય જતાં તેમાં સેચ્યુરેશન લેવલ જોવા મળશે. આ લેવલ આવતા સબસ્ક્રિપ્શનના વધારાની સંખ્યામાં વાર્ષિક ધોરણે ઘટાડો આવતો જોવા મળશે. તેમ છતાંય ટેલિવિઝન સેક્ટરમાં કેબલ ટેલિવિઝનવાળાઓનું વર્ચસ્વ 2020 સુધી જળવાયેલું જ રહેશે. જોકે ડિજિટાઈઝેશનને કારણે દેશના ટેલિવિઝન નેટવર્ક પરથી પ્રોગ્રામ પ્રસારિત કરતી ચેનલ્સની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ ગયો છે. આ ચેનલોની સંખ્યા અત્યારે 800થી વધી ચૂકી છે. આ ચેનલો દેશના 61 ટકા ટેલિવિઝન દર્શકો સુધી પહોચી ચૂકી છે. હજીય તેના વિસ્તરણ માટેનો અવકાશ બહુ જ મોટો હોવાનું જોવા મળી રહ્યું છે.

ભારતના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગનો સર્વગ્રાહી વિકાસ દર (સીએજીઆર) અંદાજે 10.5 ટકાનો રહેવાનો અંદાજ છે. 2021ની સાલ સુધીમાં તે 45.1 અબજ લોકો સુધી પહોચી જશે. અત્યારે તેની સેવાઓ 27.3 અબજ લોકો સુધી પહોંચેલી છે, એમ પ્રાઈસ વોટર હાઉસ કૂપર (પીડબ્લ્યુસી) નામની કન્સલ્ટિંગ પેઢીએ 2017-21ના ગાળામાં વૈશ્વિક સ્તરે મનોરંજન અને મીડિયા આઉટલૂકના સેક્ટરના વિકાસના આપેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.

ભારતમાં ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટનો સર્વગ્રાહી વિકાસ દર (સીએજીઆર) 18.6 ટકાનો રહેવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. બીજી તરફ ટેલિવિઝન એડવર્ટાઈઝમેન્ટનો વિકાસ દર 11.1 ટકાનો રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. 2017થી 2021 સુધીના ગાળા માટે આ પ્રોજેક્શન કરવામાં આવેલું છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના અર્થતંત્રનો વિકાસ થતો રહેશે તેમ તેમ ટીવી માર્કેટના વિસ્તરણ માટેની તક વધુને વધુ મજબૂત બનતી જશે.

(આ લેખના લેખક ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઈડ સાયન્સિસ (ઈલસાસ) આણંદ (ગુજરાત)માં પત્રકારત્વ વિભાગમાં વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી કરી રહ્યા છે. આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલા મંતવ્યો લેખકના પોતાના અંગત મંતવ્યો છે. આ ફીચર પીઆઈબી અમદાવાદ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે).


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS