Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્રમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા છે ત્યારથી દેશમાં મહિલાઓને પગભર થવા, એમનું સશક્તિકરણ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવેના મધ્ય રેલવે વિભાગે મુંબઈમાં એ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

મધ્ય રેલવેના ઉપનગરીય વિભાગના માટુંગા રેલવે સ્ટેશને બધું કામકાજ તમામ મહિલાઓનો સ્ટાફ સંભાળી રહ્યો છે.

આમ, માટુંગા દેશનું પ્રથમ મહિલા સ્પેશિયલ સ્ટેશન બન્યું છે.

લોકલ ટ્રેનોમાં મહિલાઓ માટે સ્પેશિયલ ડબ્બાઓ જ નહીં, પણ સવાર-સાંજ ધસારાના સમયે આખી ટ્રેન એમને ફાળવીને પશ્ચિમ રેલવેએ વર્ષોથી મહિલાઓને મોટી રાહત આપી છે.

હવે મધ્ય રેલવેએ માટુંગા સ્ટેશન ખાતે આખા સ્ટાફમાં તમામ મહિલાઓને જ નિયુક્ત કરી છે. આ સ્ટેશન પર છેલ્લા બે અઠવાડિયાથી રેલવેનું બધું જ કામકાજ તમામ મહિલાઓ જ સંભાળી રહી છે અને એમની કામગીરીની પ્રશંસા થઈ છે.

સ્ટાફમાં કુલ 30 મહિલાઓ છે. આમાં, 11 બુકિંગ ક્લર્ક છે, પાંચ રેલવે પ્રોટેક્શન ફોર્સની જવાન છે, સાત ટિકિટ ચેકર્સ છે. આ તમામ મહિલા કર્મચારીઓ સ્ટેશન મેનેજર મમતા કુલકર્ણીનાં સુપરવિઝન હેઠળ કામ કરે છે. આ સ્ટેશન પર ચોવીસે કલાક મહિલાઓ જ તમામ કામગીરીઓ સંભાળી રહી છે.

મમતા કુલકર્ણીનું કહેવું છે કે ખૂબ સરળ રીતે અને કહો કે ચમત્કારિક રીતે બધું કામકાજ સફળ ચાલી રહ્યું છે. મને રેલવેમાં સેવા બજાવતાં 25 વર્ષ થયાં, મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે કોઈક સ્ટેશન પર તમામ કર્મચારીઓ મહિલાઓ જ હશે. મુંબઈ ડિવિઝનમાં આ સિદ્ધિ હાંસલ કરનાર હું પહેલી સ્ટેશન માસ્તર બની એ બદલ હું ગર્વની લાગણી અનુભવી રહી છું.

મમતા કુલકર્ણી 1992માં મધ્ય રેલવેમાં જોડાયાં હતાં.

એમણે વધુમાં કહ્યું કે, અમે તમામ મહિલાકર્મીઓ એક પરિવારની સભ્યોની જેમ તેમજ જવાબદારી તથા સહકારની ભાવના સાથે કામ કરીએ છીએ. અમને શરૂઆતમાં થોડીક તકલીફ પડી હતી, પણ હવે અમે એને જવાબદારીના એક ભાગરૂપે લઈ લીધી છે.

તમામ મહિલા દ્વારા સંચાલિત રેલવે સ્ટેશનનો આઈડિયા મધ્ય રેલવેના જનરલ મેનેજર ડી.કે. શર્માનો હતો. એમણે કહ્યું છે કે મધ્ય રેલવેમાં અમને સૌને ખાતરી થઈ ગઈ છે કે વિકાસ કરવા માટે આપણી જ મહિલાઓને સમર્થ બનાવવા કરતાં વધારે અસરકારક બીજું કોઈ સાધન નથી અને અમારું આ સ્પેશિયલ સ્ટેશન એનો પુરાવો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS