સ્ટીફન હોકિંગ: દ્રઢ મનોબળનું બીજું નામ

0
2949

સ્ટીફન હોકિંગ માનવજાતને સમજાવી ગયા છે કે…

બ્રહ્માંડ અને ભૌતિકશાસ્ત્રના મહાન બ્રિટિશ વિજ્ઞાની સ્ટીફન હોકિંગ હવે આપણી વચ્ચે રહ્યા નથી. એ એક અસાધ્ય બીમારી, ‘મોટર ન્યુરોન ડિસીઝ’ના એક પ્રકાર એમિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS)થી પાંચ દાયકા સુધી પીડાતા રહ્યા હતા.

એ બીમારીને કારણે હોકિંગનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું, માત્ર મગજ જ ચાલતું હતું. પરિણામે એ જીવનના અંત સુધી વ્હીલચેરગ્રસ્ત રહ્યા હતા.

આ બીમારીમાં દરદી સામાન્ય રીતે છ-સાત વર્ષ સુધી જ જીવી શકે છે, પણ હોકિંગે બીમારી વિરુદ્ધ જોરદાર જંગ ખેલીને ૫૩ વર્ષ સુધી જીવી બતાવ્યું.

આ મહાન વિજ્ઞાનીએ એમની બીમારીને એક વરદાન બનાવી દીધું હતું.

હોકિંગે એક વાર કહ્યું હતું કે બીમારી લાગુ પડી એ પહેલાં હું મારી જિંદગીથી બહુ કંટાળી ગયો હતો. હું કોઈ મહત્ત્વનું કામ કરતો હોઉં એવું મને લાગતું નહોતું. ૨૧ વર્ષનો હતો તોય મારી આકાંક્ષાઓ ઘટીને સાવ શૂન્ય થઈ ગઈ હતી, પરંતુ આ બીમારી પછી મને જીવનમાં જે કંઈ મળ્યું એને હું બોનસ તરીકે ગણું છું.

હોકિંગને બીમારી લાગુ પડી એ પહેલાં એ ભણતર પર પૂરતું ધ્યાન આપી શક્યા નહોતા, પણ બીમાર પડ્યા બાદ એમને થયું કે પોતે વધુ જીવી નહીં શકે એટલે પોતાનું બધું ધ્યાન બ્રહ્માંડને લગતા સંશોધનકાર્ય પર લગાવી દીધું.

હોકિંગને એ વાતની ખુશી હતી કે બ્રહ્માંડ વિશે માનવજાતને સમજાવવામાં પોતે એક ભૂમિકા ભજવી શક્યા હતા.

હોકિંગને કોસ્મોલોજીના વિશેષજ્ઞ માનવામાં આવ્યા છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, સંરચના સંબંધિત Theory of Big Bang અને Black Hole તથા હોકિંગ રેડિયેશનનો કોન્સેપ્ટ એમણે દુનિયાને આપ્યો.

હોકિંગે બ્રહ્માંડની રચના અને એનાં રહસ્યો અંગે સંશોધન તો કર્યું, પણ માનવજાતને સામાન્ય રીતે એ એટલું સમજાવી ગયા છે કે:

‘જિંદગી ભલે ગમે તેટલી કઠિન હોય, તમે હંમેશાં કંઈક તો કરી જ શકો અને સફળ પણ થઈ શકો છો. જ્યાં જીવન છે ત્યાં આશા છે.’

(જન્મઃ 1942 – નિધનઃ 2018)