Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

એહમદ પટેલ

જવલ્લે જ જોવા મળે એવી તીવ્ર રસાકસી અને ગજબનાક ઉત્તેજના પછી છેવટે એહમદ પટેલ જંગ જીતી ગયા છે. એમને હરાવવા માટે ભાજપે સઘળી પ્રતિષ્ઠા દાવમાં મૂકેલી, પણ બહુ ડાહ્યા બહુ ખરડાય એ ન્યાયે પરિણામ પછી ભાજપની જ આબરૂ ઝંખવાઈ છે, જ્યારે કોંગ્રેસે એ સાચવી લીધી છે.

પરંતુ પરિણામ પછી મહત્વનો મુદ્દો એ છે કે એહમદ પટેલને ૪૪ મત મળ્યા એમાંથી ૪૩ તો કોંગ્રેસના જ હતા. વધારાનો એક નિર્ણાયક મત કોનો મળ્યો? એનસીપીના જયંત બોસ્કીનો કે જેડીયુના છોટુ વસાવાનો? બંધ પેટીમાં થયેલા આ મતદાનનું રહસ્ય ખુલવાનું નથી, પણ રાજકીય વર્તુળોમાં એ સ્પષ્ટ છે કે શરદ પવારે નરેન્દ્ર મોદી સાથે દોસ્તી નિભાવીને એનસીપીના મત ભાજપને અપાવ્યા છે. સામે છોટુભાઈએ એહમદભાઈની દોસ્તી નિભાવી છે.

અલબત્ત, હારેલા ઉમેદવાર બળવંતસિંહે કોંગ્રેસના બે મત રદ ગણવાના ચૂંટણી પંચના નિર્ણયને અદાલતમાં પડકારવાની વાત કરી છે. ભાજપ પણ એને ટેકો આપશે એટલે પરિણામ જાહેર થઈ ગયું હોવા છતાં, એહમદ પટેલને હરાવવાનો આ જંગ આગામી દિવસોમાં અદાલતમાં ચાલુ રહેશે એ નિશ્ચિત છે. ચૂંટણી સુધી આ ચૂંટણીના પડઘા ગુજરાતના રાજકારણમાં પડઘાયા કરશે.

– તો, કેવોક હશે આગામી દિવસોનો ઘટનાક્રમ?

૧. શંકરસિંહ બાપુ પોતે ભાજપમાં નહીં જોડાય, પણ એમના દીકરા મહેન્દ્રસિંહ, રાઘવજી પટેલ, ભોળાભાઈ ગોહિલ, કરમશી પટેલ, સી. કે. રાઉલજી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અમિત ચૌધરીએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા છે. કોંગ્રેસે એમને ક્રોસ-વોટિંગ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. આ બધા પહેલેથી જ ભાજપમાં જોડાવાના નક્કી હતું એટલે બરતરફીથી કોઈ ફરક પડવાનો નહોતો.

૨. ખરો રસપ્રદ મુદ્દો એ છે કે કોંગ્રેસના વ્હીપનો અનાદર કરીને ક્રોસ વોટિંગ કરવા બદલ આ ધારાસભ્યો સામે ચૂંટણી લડવા પર પ્રતિબંધ આવે છે કે કેમ? શક્તિસિંહ ગોહિલ આ મામલે કેવી લડત આપે એના પર મદાર છે. આ મુદ્દે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આગળ ધરે છે તો ભાજપ પટના હાઈકોર્ટના જજમેન્ટને આગળ ધરે છે. જો કોંગ્રેસ આ મુદ્દે પંચ અથવા કોર્ટના દરવાજા ખખડાવે તો શું થશે એ જોવાનું રહે છે.

શક્તિસિંહ ગોહિલ

૩. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર આગામી દિવસોમાં ઘણો મદાર છે. બે મત રદ કરાવવાના મુદ્દે કોંગ્રેસ વતી એમણે છેલ્લી ઘડી સુધી મરણિયા પ્રયત્ન કરીને જોરદાર લડત આપી હતી. આખાય પ્રકરણમાં વ્યૂહરચના ઘડવાથી માંડીને કાનૂની વ્યૂહ અપનાવવામાં એમની જ રણનીતિ કામ કરતી હતી. આમ પણ બાપુ એહમદભાઈના જૂના અને વિશ્વાસુ સાથીદાર છે. હવે બળવંતસિંહ કોર્ટમાં જાય ત્યારે પણ કોંગ્રેસ વતીથી આ બાપુએ જ લડત આપવાની છે. વીડિયો રકોર્ડિંગ-ફૂટેજ સાથે ચેડાં થયાનો આક્ષેપ તો થઈ જ ચૂક્યો છે. આગામી દિવસોમાં એ બધું જોવા-જાણવા મળશે.

કેટલાક નિષ્ણાતોના મતે જો બે મત રદ ન થયા હોત તો પણ સેકન્ડ પ્રેફરન્સમાં મતોના મૂલ્યની ગણતરીની દષ્ટિએ એહમદ પટેલની જ જીત થઈ હોત. ગણતરીની આ અત્યંત જટિલ પ્રક્રિયા તો અદાલત-ચૂંટણી પંચ જ સમજાવી શકે, પણ લોક માનસમાં આ મુદ્દો જીવંત રાખવા કોંગ્રેસ અને ભાજપ બન્ને ભરપૂર પ્રયત્ન કરશે એ નક્કી છે.

શંકરસિંહ વાઘેલા

૪. કોંગ્રેસ છોડીને આવેલા ધારાસભ્યોને ભાજપમાં કેવુંક સ્થાન મળે એ જોયા પછી જ અત્યારે પક્ષ બદલવાની પેરવીમાં બેઠેલા પક્ષપલટા-ઈચ્છુકો કંઈક નક્કી કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં ભાજપ વાયા શંકરસિંહ બાપુ હજુ પણ કેટલાક અસંતુષ્ટ કોંગ્રેસીઓને ટિકિટની કે બીજી ઓફર કરીને ભાજપમાં લાવવાની રણનીતિ ચાલુ જ રાખશે. બાપુ ભાજપમાં જોડાવાના નથી એનો અર્થ એવો નથી કે એ શાંત બેસી રહેશે.

૫. આ બાજુ એહમદભાઈની જીતથી કોંગ્રેસીઓએ ય બહુ હરખાવાની જરૂર નથી. એહમદભાઈની  જીતથી પક્ષનો જુસ્સો વધશે, પણ એનાથી વિધાનસભાની ચૂંટણીની જીતની ગેરંટી મળતી નથી. રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે આસમાન-જમીનનો ફેર છે. આંતરિક બળવાની આ ઘટના પછી કોંગ્રેસે પણ પક્ષના આગવાનોને સાચવતા અને શિસ્તમાં રાખતા શીખવું પડશે. છેવટે પક્ષને જીતનો આગેવાનો અને કાર્યકર્તાઓ જ અપાવશે. ભાજપનો આ રાજકીય દાવ ચોક્કસ નિષ્ફળ ગયો છે, પણ આ એક ચૂંટણીથી એની રાજકીય તાકાત ઘટી જશે એવું અત્યારથી માની લેવાની જરૂર નથી. 

– કેતન ત્રિવેદી
(‘ચિત્રલેખા’ અમદાવાદ બ્યૂરો)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS