બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતવાનો જંગ…

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીનો 6 ડિસેમ્બર, ગુરુવારથી આરંભ થશે. પહેલી મેચ જ્યાં રમાવાની છે તે એડીલેડ શહેરના એડીલેડ ઓવલ મેદાન ખાતે 5 ડિસેમ્બર, બુધવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પૈને બોર્ડર-ગાવસકર ટ્રોફી સાથે તસવીરકારોને પોઝ આપ્યો હતો. બીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી પર્થમાં, ત્રીજી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં અને ચોથી-આખરી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત અત્યાર સુધીમાં ક્યારેય ટેસ્ટશ્રેણી જીત્યું નથી. બંને વચ્ચે વચ્ચે પહેલી ટેસ્ટ સીરિઝ 1947-48માં રમાઈ હતી. પાંચ-મેચોની એ સીરિઝમાં ભારત 0-4થી હાર્યું હતું. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ શ્રેણી રમાઈ ચૂકી છે. આ શ્રેણીઓમાં બંને વચ્ચે 44 ટેસ્ટ મેચો રમાઈ ચૂકી છે. એમાં 28 મેચોમાં ભારત હાર્યું છે અને પાંચમા જીત્યું છે. 11 ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતીય ટીમ છેલ્લે 2014-15માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી હતી અને એમાં તેનો 0-2થી પરાજય થયો હતો.