સ્ટોક્સનો ઓલરાઉન્ડ દેખાવઃ ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 104 રનથી હરાવ્યું

લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર 30 મે, ગુરુવારે રમાઈ ગયેલી વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની પહેલી મેચમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 104 રનથી પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડે જેસન રોયના 54, જો રૂટના 51, કેપ્ટન ઓઈન મોર્ગનના 57 અને બેન સ્ટોક્સના 89 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 311 રન કર્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં માત્ર 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્ટોક્સે બોલિંગમાં પણ બે વિકેટ લીધી હતી અને ફિલ્ડિંગમાં બે કેચ પણ પકડ્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના દાવમાં ઓપનિંગ બેટ્સમેન અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 68 અને રાસી વાન ડેર ડસને 50 રન કર્યા હતા.