એશિયા કપ 2018 ટ્રોફીનું અનાવરણ…

દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 15 સપ્ટેંબરથી એશિયાની છ ટીમ વચ્ચે એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા રમાશે. આ છ ટીમ છે – ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગ કોંગ. સ્પર્ધાની પૂર્વસંધ્યાએ સ્પર્ધાની ટ્રોફીનું મિડિયાકર્મીઓ સમક્ષ અનાવરણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ભારતના કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત પાકિસ્તાનનો સરફરાઝ એહમદ, શ્રીલંકાનો એન્જેલો મેથ્યૂસ, બાંગ્લાદેશનો મુશરફ મુર્તઝા, અફઘાનિસ્તાનનો અસગર અફઘાન અને હોંગ કોંગનો અંશુમાન રાથ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાની મેચો ભારતીય સમય મુજબ સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે. દુબઈ ઉપરાંત અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં પણ અમુક મેચો રમાશે. ફાઈનલ મેચ 28 સપ્ટેંબરે દુબઈમાં રમાશે. સ્પર્ધાની પહેલી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. ભારતની પહેલી મેચ 18મીએ હોંગ કોંગ સામે રમાશે.