T20I ટ્રાઈ-સિરીઝઃ પહેલી મેચમાં ભારતનો શ્રીલંકા સામે પરાજય…

કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે 6 માર્ચ, મંગળવારે રમાઈ ગયેલી ટ્રાઈ-સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાએ ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. શ્રીલંકાએ ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી. ભારતે પોતાના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 174 રન કર્યા હતા. શિખર ધવને જોરદાર આક્રમક બેટિંગ કરીને 49 બોલમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 90 રન ફટકાર્યા હતા, પણ શ્રીલંકાની ટીમ 18.3 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 175 રન કરીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકાની જીતનો હીરો રહ્યો એનો બેટ્સમેન કુસલ પરેરા, જેણે 37 બોલમાં ચાર છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 66 રન ઝૂડી કાઢ્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. પરેરાએ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ફેંકેલી એક ઓવરમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે કુલ 27 રન ઝૂડી કાઢ્યા હતા જે મેચના પરિણામ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા હતા. આ સિરીઝમાં ત્રીજી ટીમ બાંગ્લાદેશ છે. હવે ભારત 8 માર્ચે બાંગ્લાદેશ સામે રમશે.