ચાનૂએ ગોલ્ડ મેડલ જીતીને ભારતને ચમકાવી દીધું…

ગોલ્ડ કોસ્ટમાં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની વેઈટલિફ્ટિંગની રમતમાં 48 કિ.ગ્રા. વર્ગમાં ભારતની સૈખોમ મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ ચેમ્પિયન ચાનૂએ નવા રેકોર્ડ સાથે પ્રથમ આવીને સુવર્ણચંદ્રક હાંસલ કર્યો છે. વર્તમાન ગેમ્સમાં ભારતને આ પહેલો સુવર્ણચંદ્રક મળ્યો છે. મણીપુરનિવાસી ચાનૂએ સ્નેચમાં, એનાં ત્રણેય પ્રયાસોમાં (80 કિ.ગ્રા., 84 કિ.ગ્રા. અને 86 કિ.ગ્રા.) ક્લીન લિફ્ટ કર્યું હતું. ચાનૂએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ તેમજ ગેમ્સનો રેકોર્ડ તોડ્યો હતો. એણે ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં ત્રણેય પ્રયાસોમાં અનુક્રમે 103, 107 અને 110 કિલો વજન ઉંચક્યું હતું. આમાં પણ એણે ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાનૂએ 2014ની ગ્લાસગો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આજની ઈવેન્ટમાં રજતચંદ્રક મોરિશિયસની મેરી રનાઈવોસોવાએ અને કાંસ્ય શ્રીલંકાની દિનુશા ગોમ્ઝે જીત્યો હતો.