કોહલીની સદીએ ભારતને પહેલી ODIમાં જિતાડ્યું…

ભારતીય ક્રિકેટ ટીમે 1 ફેબ્રુઆરીએ ડરબનમાં રમાયેલી સિરીઝની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6-વિકેટથી પરાજય આપીને 6-મેચોની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી છે. ભારતનો વિજય તેના કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી – 112 રનને આભારી રહ્યો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરીને તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસીના 120 રનની મદદથી પોતાના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 269 રન કર્યા હતા. ભારતે તેના જવાબમાં 27 બોલ ફેંકાવાના બાકી રાખીને 45.3 ઓવરમાં 4 વિકેટના ભોગે 270 રન કરીને મેચ જીતી લીધી હતી. કોહલી અને અજિંક્ય રહાણે (79)એ ત્રીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ 119 બોલનો સામનો કર્યો હતો અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. 203 વન-ડે મેચોની કારકિર્દીમાં કોહલીએ આ 33મી સદી ફટકારી છે. બંને ટીમ વચ્ચેની બીજી વન-ડે મેચ 4 ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં રમાશે.