ઓડિશામાં આ વર્ષે રમાશે મેન્સ વર્લ્ડ કપ હોકી…

ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરમાં આ વર્ષના નવેમ્બરની 28થી ડિસેમ્બર 16 સુધી પુરુષોની હોકી વર્લ્ડ કપ સ્પર્ધાનું આયોજન થવાનું છે. રાજ્યના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે 15 ફેબ્રુઆરી, ગુરુવારે નવી દિલ્હીની એક લક્ઝરિયસ હોટેલમાં પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી હતી. આ પ્રસંગે એમણે બીજી મહત્વની જાહેરાત એ કરી કે ઓડિશા રાજ્યની સરકાર ભારતના પુરુષો અને મહિલાઓની હોકી ટીમોને પાંચ વર્ષ સુધી સ્પોન્સર કરશે. આ પહેલાં બંને ટીમનું સ્પોન્સર સહારા ગ્રુપ હતું. ટીમનાં ખેલાડીઓનાં નવા જર્સી પણ લોન્ચ કરવામાં આવ્યાં છે જેની પરના નવા લોગોમાં કોણાર્ક મંદિરનું ચિત્ર છે. પટનાયકે બંને રાષ્ટ્રીય ટીમનાં ખેલાડીઓની સાથે તસવીરો પડાવી હતી. આ પ્રસંગે પુરુષોની ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને મહિલાઓની ટીમની કેપ્ટન રાની રામપાલ ઉપરાંત દિલીપ ટીર્કે, ધનરાજ પિલ્લૈ અને વિરેન રેસ્કીન્હા જેવા ભૂતપૂર્વ ધુરંધર ખેલાડીઓ તથા હોકી ઈન્ડિયાના પ્રમુખ મરિઅમ્મા કોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતકાળમાં ઓડિશા રાજ્ય ભારતને ટોચના હોકી ખેલાડીઓ આપી ચૂક્યું છે જેમ કે, દિલીપ ટીર્કે, ઈગ્નેશ ટીર્કે અને લાઝારસ બાર્લા. હાલની ટીમમાં ચાર ખેલાડીઓ ઓડિશાનાં છે – બિરેન્દ્ર લાકરા, અમિત રોહીદાસ, દીપસાન ટીર્કે અને નમિતા ટોપ્પો.