અમેરિકી વિદેશ પ્રધાન પોમ્પીઓ પીએમ મોદીને મળ્યા…

અમેરિકાનાં વિદેશ પ્રધાન માઈકલ પોમ્પીઓ 26 જૂન, બુધવારે સવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને ત્યારબાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળ્યાં હતાં. પોમ્પીઓ અને જયશંકરે બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. પોમ્પીઓએ લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા બદલ પીએમ મોદીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શુભેચ્છા પાઠવી હતી અને અભિનંદન આપ્યાં હતાં. મોદીએ પોમ્પીઓનો આભાર માન્યો હતો અને ટ્રમ્પને પણ શુભકામનાઓ બદલ આભાર પાઠવવા વિનંતી કરી હતી. મોદીએ કહ્યું હતું કે, અમેરિકા સાથેનાં સંબંધોને ભારત પ્રાથમિકતા આપે છે. પોતાની સરકારના નવા કાર્યકાળમાં પરસ્પર વિશ્વાસ અને સહિયારા હિતોનાં સિદ્ધાંતો પર આધારિત વ્યૂહાત્મક ભાગીદારી માટે પોતાનો દ્રષ્ટિકોણ પોમ્પીઓ સમક્ષ રજૂ કર્યો હતો. પોમ્પીઓએ પણ જણાવ્યું કે, અમેરિકાની સરકાર ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધને વધારે મજબૂત કરવા ઇચ્છે છે અને સહિયારા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવા ઇચ્છે છે.

 

વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પોમ્પીઓ