અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી માટે મતદાન-પરિણામ…

અમેરિકામાં પ્રતિનિધિ સભા, સેનેટ, ગવર્નરોના પદ તેમજ રાજ્યોના પ્રતિનિધિઓની મધ્યસત્ર ચૂંટણી માટે મંગળવારે મતદાન શરૂ થયું છે અને પરિણામોની જાહેરાત થઈ રહી છે. મતદાન માટે લોકોમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી. વહેલા જાહેર કરાયેલા પરિણામોમાં, વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી પાસેથી બે સીટ (વર્જિનિયા, ફ્લોરિડામાં) કબજે કરી હતી. 435-સભ્યોની પ્રતિનિધિ સભા, સેનેટની 100માંથી 35 બેઠક, ગવર્નરના 50માંથી 36 પદ માટે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી થઈ રહી છે. રીપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળી પ્રતિનિધિ સભામાં ફરી અંકુશ મેળવવા માટે ડેમોક્રેટિક પાર્ટીએ વધુ 21 સીટ જીતવી પડે. એવો અંદાજ છે કે મધ્યસત્ર ચૂંટણી માટે 49 ટકા જેટલું મતદાન થશે, જે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીના 100 વર્ષના ઈતિહાસમાં સૌથી વધારે થશે.