શત્રુધ્ન-યશવંતસિંહાએ હાર્દિકને મળીને કહ્યું કે…

0
1342

અમદાવાદ- અમાનતની માગણી સાથે આમરણ ઉપવાસ પર બેઠેલ પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસના 11માં દિવસે હાર્દિકને મળવા રાષ્ટ્રીય નેતાઓના આગમનનો સિલસિલો ચાલુ રહ્યો છે. હાર્દિક પટેલને મળવા ઢળતી બપોરે બિહાર ભાજપના કદાવર નેતા અભિનેતા શત્રુધ્નસિંહા તેમ જ પૂર્વ નાણાંપ્રધાન યશવંતસિંહા અમદાવાદ આવી પહોંચ્યાં હતાં.હાર્દિકને મળ્યાં બાદ મીડિયાને સંબોધતાં શત્રુધ્નસિંહાએ કોથળામાં પાંચશેરી ફટકારતાં પોતાના જ પક્ષની નેતાગીરીને ફરી આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે હાર્દિક યુવાધન છે અને સરકારે તેની સાથે શા માટે વાતચીત નથી કરી.તેમણે કહ્યું તે દેશમાં ખેડૂતોની હાલત ખરાબ છે અને તેમનું દેવું માફ થવું જોઇએ. ગુજરાત સરકાર સંદર્ભે શત્રુધ્નસિંહાએ કહ્યું કે ભાજપશાસિત કેટલાક રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થયું છે તો ગુજરાતમાં કેમ નહીં. હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી પણ સર્વદળ પ્રેરિત છે કારણ કે તમામ પક્ષો પોતાની લાગણી હાર્દિકને મળીને વ્યક્ત કરી રહ્યાં છે. આ મુલાકાત સમયે પૂર્વ સીએમ સુરેશ મહેતા પણ તેમની સાથે હતાં.

આ તરફ હાર્દિકના ઉપવાસના 11માં દિવસે તેના સ્વાસ્થ્યને લઈને સાવચેતીના પગલાંરુપે તેના ઉપવાસ સ્થળની બહાર આઈસીયુ ઓન વ્હીલ્સની તમામ સુવિધાઓ સાથે એક એમ્બ્યૂલન્સ આરોગ્યવિભાગ દ્વારા ગોઠવી દેવામાં આવી છે.