અમદાવાદમાં શરૂ થઈ ગઈ મેટ્રો ટ્રેન, મોદીએ સફર કરી…









વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ, સોમવારે અમદાવાદ ખાતે અમદાવાદ મેટ્રો રેલ યોજનાનાં ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. વસ્ત્રાલ ગામ સ્ટેશને એમણે ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને ટ્રેનમાં સફર પણ કરી હતી. એમની સાથે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હતા. આ ટ્રેન વસ્ત્રાલ ગામથી શરૂ થઈ એપરલ પાર્ક સ્ટેશન સુધી દોડી હતી. જાહેર જનતા માટે આ ટ્રેન 6 માર્ચથી શરૂ થશે. પહેલા 10 દિવસ લોકોને મફતમાં પ્રવાસ કરવા મળશે. વડા પ્રધાન ટ્રેનમાં વસ્ત્રાલ સ્ટેશનેથી એપરલ પાર્ક પ્રવાસે નીકળ્યા તે દરમિયાન સ્ટેશન પર 'ભારત માતા કી જય', 'જય જય ગરવી ગુજરાત' અને 'વંદે માતરમ' નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ટ્રેનને દોડતી જોવા માટે અસંખ્ય લોકો રૂટની આસપાસના એમનાં મકાનોનાં ઘર, અગાસી પરથી અને રસ્તાઓ પર ઊભીને અભિવાદન કરતાં જોવા મળ્યાં હતાં.