વડાપ્રધાન મોદી મનિલામાં; ટ્રમ્પને મળ્યા…

ફિલિપીન્સમાં ASEAN-ઈન્ડિયા, ઈસ્ટ-એશિયા શિખર સંમેલનોમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલિપીન્સના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. ૧૨ નવેમ્બર, રવિવારે સવારે તેઓ નવી દિલ્હીથી રવાના થયા હતા અને બપોરે ફિલિપીન્સના પાટનગર મનિલા પહોંચ્યા હતા. રાતે ડિનર વખતે મોદીની મુલાકાત યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અન્ય દેશોના નેતાઓ સાથે થઈ હતી. મોદી એમના રોકાણ દરમિયાન ફિલિપીન્સના પ્રમુખ રોડ્રિગો ડ્યૂટેર્ટ તથા અન્ય દેશોના નેતાઓને પણ મળશે. ASEAN ગ્રુપની સ્થાપનાની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ASEAN ગ્રુપ એટલે ‘એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ’. દક્ષિણ એશિયા વિસ્તારના ૧૦ દેશો ASEANના સભ્યો છે – બ્રુનેઈ, કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, ફિલિપીન્સ, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેટનામ. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા આ ગ્રુપમાં નોન-મેમ્બર દેશો છે. ASEANની સ્થાપના ૧૯૬૭માં કરવામાં આવી હતી. પીએમ મોદી ઈસ્ટ એશિયા શિખર સંમેલનમાં હાજરી આપશે. ભારત આ ગ્રુપનું સભ્ય છે. ભારત ઉપરાંત અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ પણ સભ્યો છે.

ફિલિપીન્સ માટે દિલ્હીથી એર ઈન્ડિયાના વિમાન દ્વારા રવાના થતી વખતે પીએમ મોદી