મોદી-ઉદ્ધવ 28 મહિના બાદ ફરી મંચ પર એકત્ર થયા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 એપ્રિલ, મંગળવારે મહારાષ્ટ્રના લાતુરમાં લોકસભા ચૂંટણી માટેની એક જાહેર સભાને સંબોધિત કરી હતી. એ પ્રસંગે મંચ પર એમની સાથે ભાજપના ભાગીદાર પક્ષ શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી અને ઠાકરે 28 મહિનાનાં સમયગાળા બાદ મંચ પર ફરી સાથે હાજર થયા હતા. આ બંને નેતા છેલ્લે, 2016ની 24 ડિસેંબરે મુંબઈમાં ચોપાટી સ્થળે છત્રપતિ શિવાજી મહારાજના સૂચિત ભવ્ય સ્મારક માટેની 'જળ પૂજા' વખતે અને ત્યારબાદ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં જાહેર સભા વખતે મંચ પર સાથે જોવા મળ્યા હતા. શિવાજીનું સ્મારક અરબી સમુદ્રમાં બાંધવામાં આવનાર છે. છેલ્લા ચાર વર્ષમાં આ બંને પાર્ટી વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી, પણ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે બંને પક્ષે એમની યુતિને સાચવી લીધી હતી.