મુંબઈમાં દલિતોનાં આંદોલનને કારણે પરિસ્થિતિ તંગ…

દલિત સમુદાયના લોકોએ 2 જાન્યુઆરી, મંગળવારે સવારે મુંબઈના પૂર્વ ભાગના ઉપનગરો – ચેંબૂર, મુલુંડ, ભાંડુપ, ગોવંડીમાં રસ્તા રોકો અને રેલ-રોકો આંદોલન કરતા અને દુકાનો બંધ કરવાની ફરજ પાડતાં પરિસ્થિતિએ હિંસક વળાંક લીધો હતો. ‘જય ભીમ’ના ઝંડા સાથે નીકળેલા દલિત દેખાવકારોએ ‘બેસ્ટ’ની બસો પર પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખ્યા હતા. પોલીસોએ અમુક કલાકો બાદ પરિસ્થિતિ અંકુશમાં લીધાનો દાવો કર્યો છે. ભારતીય રિપબ્લિકન પાર્ટી અને બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકરે બુધવારે ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન કર્યુ છે. વાસ્તવમાં પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવ ગામમાં સોમવારે બનેલી ઘટનાઓનો પડઘો મુંબઈમાં પડ્યો હતો. સોમવારે ભીમા-કોરેગાંવમાં દલિતોએ 200 વર્ષ પહેલાં આ જ ગામમાં પેશ્વાઓના લશ્કર પર બ્રિટિશ લશ્કરે મેળવેલા વિજયની ઉજવણી કરી હતી. એ વખતે મરાઠા લોકો ઉશ્કેરાયા હતા અને બંને સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી હતી.