મહારાષ્ટ્ર બંધ: મુંબઈ 10 કલાક સુધી ઠપ્પ…

પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવ ગામમાં ગયા સોમવારે થયેલી હિંસાનો પડઘો મંગળવારે મુંબઈમાં પડ્યા બાદ આજે, 3 જાન્યુઆરી, બુધવારે દલિત સંગઠનો પ્રેરિત ‘મહારાષ્ટ્ર બંધ’ની હાકલને પગલે સમગ્ર મુંબઈ શહેરમાં આજે સજ્જડ બંધની સ્થિતિ જોવા મળી હતી. વાતાવરણ તંગ હતું, પરંતુ પોલીસના અંકુશ હેઠળ છે. મુંબઈના તમામ ઉપનગરોમાં દલિત કાર્યકર્તાઓએ વાહનો-સ્કૂટરો પર બેસીને અને ટોળામાં ફરીને દુકાનો, હોટેલ-રેસ્ટોરન્ટ્સ બંધ કરવાની લોકોને ફરજ પાડી હતી. પોલીસે તમામ વિસ્તારોમાં કડક બંદોબસ્ત જાળવ્યો છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ નથી, પરંતુ સ્કૂલ બસ સેવા બંધ રાખવાનો સ્કૂલબસ માલિકોએ નિર્ણય લીધો હતો. મુંબઈમાં મધ્ય રેલવે વિભાગની ટ્રેનો સવારથી જ ઠપ્પ થઈ હતી, તો પશ્ચિમ રેલવેની સેવાને અસર પડી છે. મેટ્રો વિભાગ પર, દલિત-બહુજન કાર્યકર્તાઓ પાટા પર બેસી જતાં ઘાટકોપર અને એરપોર્ટ રોડ સ્ટેશનો વચ્ચે સેવા સસ્પેન્ડ કરી દેવી પડી હતી. એરપોર્ટ રોડ અને વર્સોવા (અંધેરી) વચ્ચેની સેવા ચાલુ હતી.