CM રૂપાણીએ વિકાસનું વર્ષ બને તેવી મંગલકામના પાઠવી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિક્રમ સંવત 2074નું વર્ષ સૌ ગુજરાતીઓ માટે સુખ સમૃદ્ધિ, શાંતિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે. તેમણે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન અર્ચનથી કર્યો હતો. વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની જે લહેર જાગી છે, તેમાં ગુજરાત સોળે કળાએ વિકાસની સિદ્ધિ મેળવીને દેશનું રોલ મોડેલ બન્યું છે. ગુજરાત આવનારા દિવસોમાં પણ નંબર વનનું સ્થાન જાળવી રાખશે અને સૌ ગુજરાતીઓ વિકાસની આ તરાહને ભાજપમાં વિશ્વાસ મૂકીને અવશ્ય નવી ઊંચાઈ એ પહોંચાડશે એવો વિશ્વાસ મુખ્યપ્રધાને નૂતન વર્ષ અવસરે દર્શાવ્યો હતો. તેમણે નૂતન વર્ષની ગુજરાતને ભેટ રૂપે ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસનો પ્રારંભ 22 ઓકોટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે થવાનો છે તેની પણ જાહેરાત કરતા કહ્યુ કે આ રો રો ફેરી સર્વિસને કારણે માર્ગ પરનું વાહન વ્યવહાર ભારણ ઘટશે. સમય અને ઈંધણની બચત થશે. 350 કી.મીનું ઘોઘા દહેજ અંતર ઘટીને 31 કી.મી થઈ જવાથી 8 કલાક ને બદલે માત્ર 2 કલાકમાં જ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત પહોંચી શકાશે.મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ નૂતન વર્ષની શુભેચ્છાઓ રાજ્યપાલ ઓ.પી.કોહલીને રાજભવન ખાતે મળીને આપી હતી.