રિલાયન્સ હોલિસ્ટિક હીલિંગ આર્ટ પ્રોજેક્ટનો શુભારંભ…

રિલાયન્સ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણીએ ૨૫ સપ્ટેંબર, સોમવારે દક્ષિણ મુંબઈ સ્થિત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન ‘હોલિસ્ટિક હીલિંગ’ નામના નવા જાહેર આર્ટ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. હોલિસ્ટિક હીલિંગ પ્રોજેક્ટ મારફત રિલાયન્સ સંસ્થા કલાકારો-ચિત્રકારોને એમની સાઈટ-સ્પેસિફિક આર્ટવર્ક (કલાકૃતિઓ) પ્રસ્તુત કરવાનો અવસર પૂરો પાડે છે. આ આર્ટ સંકલ્પના અંતર્ગત આમ જનતા સુધી સમકાલીન કળાને પહોંચાડવાનો તેમજ હરકીસનદાસ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ તથા એમનાં પરિવારજનો-સ્વજનોને પણ કળાનો અનુભવ કરાવવાનો સંસ્થાનો ઉદ્દેશ્ય છે. આ પ્રોજેક્ટમાં ૧૨ કલાકારોએ ભાગ લીધો છે. હોસ્પિટલનાં પેસેજમાં વિવિધ ચિત્રો જોવા મળે છે. આને લીધે હોસ્પિટલનું સામાન્ય રીતે ગંભીર વાતાવરણ બદલાઈ ગયેલું જણાયું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની સખાવતી સંસ્થા છે.