અમદાવાદમાં ડોગ શોમાં શ્વાનપ્રેમીઓએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ…

સંવેદનશીલ વ્યક્તિઓ દરેક જીવ સાથે લાગણીથી જોડાઈ જતાં હોય છે. પછી એ માણસ હોય કે કોઈ અબોલ જીવ. એમાંય કેટલાક જીવ સાથે તો માનવીઓને વફાદારીનો સંબંધ હોય છે, એકબીજાને ઉપયોગી થવાનો સંબંધ હોય છે. એમાંય ગાય, ઘોડા, શ્વાન જેવા અનેક પ્રાણીઓનો માણસ પોતાના કામ માટે ઉપયોગ પણ કરે. આ બધાય પ્રાણીઓમાં શ્વાન સાથે માનવીને અનોખા પ્રકારની ભાઈબંધી હોય છે. કેટલાકને એમાં પારિવારિક ભાવના સંકળાયેલી હોય છે. પાલતુ શ્વાનની પરિવારજનો એ નાનું ગલુડિયું હોય ત્યારથી માવજત કરતા હોય છે. ગરીબ હોય કે તવંગર, શ્વાન સાથે સૌને દોસ્તી. કેટલાક લોકો સ્ટ્રીટ ડૉગ પણ પાળે છે તો કેટલાક લોકો ચોક્કસ જાતિ કે દેખાવના ડૉગને પરદેશથી પણ મંગાવીને એનો ઉછેર કરતા હોય છે. પાળેલા ડૉગીનું બઘું જ સ્પેશ્યલ હોય, સ્નાન માટે સાબુથી માંડીને ખોરાક-સૌંદર્ય પ્રસાધન પણ એના વિશિષ્ટ હોય. દેશી-વિદેશી શ્વાનની વિવિધ પ્રજાતિના ડૉગ પણ હવે ઉપલબ્ધ છે. આ વફાદાર પ્રાણી શ્વાન માટે ઠેર ઠેર ડોગ શો પણ યોજવામાં આવે છે. અમદાવાદમાં આવો એક ડૉગ શૉ રવિવારે યોજવામાં આવ્યો હતો. શહેરની રાજપથ કલબની પાછળના માર્ગે આવેલી કેન્સવિલ ગોલ્ફ એકેડેમી ખાતે યોજાયેલા ડોગ-શૉમાં શ્વાન-પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને ભાગ લીધો હતો. (અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)