ચાહકોની ચાંદનીની અલવિદા…

બોલીવૂડની ‘લેડી અમિતાભ’ કહેવાયેલી અને અભિનેત્રીઓની પહેલી સુપરસ્ટાર શ્રીદેવી કપૂરના નિધનથી હિન્દી ફિલ્મ જગતમાં સોપો પડી ગયો છે, શ્રીદેવીનાં કરોડો ચાહકો-પ્રશંસકો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ, 1963ના રોજ મદ્રાસ (હાલના તામિલનાડુ)ના શિવાકાશીમાં થયો હતો. એમનું મૂળ નામ શ્રી અમ્મા યંગર અય્યપન હતું. એમના પિતા અય્યપન તામિલ હતા જ્યારે માતા રાજેશ્વરી તેલુગુ હતા. શ્રીદેવીને એક બહેન છે – શ્રીલતા. શ્રીદેવીએ ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે 1996માં લગ્ન કર્યા હતા. દંપતીને જાન્વી (1997) અને ખુશી (2000) નામે બે પુત્રી છે. શ્રીદેવી શાકાહારી હતા. શ્રીદેવીએ એમની પાંચ દાયકાની કારકિર્દીમાં તામિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓની 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્રીદેવીએ ચાર વર્ષની ઉંમરે એક તામિલ ફિલ્મમાં બાળકલાકાર તરીકે  કામ કર્યું હતું જે એમની પહેલી ફિલ્મ હતી. હિન્દી ફિલ્મ ‘જુલી’માં તેઓ સગીર વયે ચમક્યાં હતાં જે સાથે એમણે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ 1989માં ‘હિંમતવાલા’ સાથે એ બોલીવૂડમાં લોકપ્રિય થયા. એમની છેલ્લી હિન્દી ફિલ્મ હતી ‘મોમ’ જે 2017માં રિલીઝ થઈ હતી. દર્શકોને હસાવતી અને રડાવતી મહાન અભિનેત્રીની કરિયર-યાત્રાની તસવીરી ઝલક. (તસવીરોઃ ‘ચિત્રલેખા-જી’ લાઈબ્રેરી)