હેપ્પી બર્થડે મહાનાયક…

0
1550
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે ઉજવી રહ્યા છે એમનો ૭૬મો જન્મદિવસ. 11 ઓક્ટોબર, 1942માં અલાહાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન બોલીવૂડના સદાબહાર સુપરસ્ટાર છે, જીવંત દંતકથા સમાન અભિનેતા, લાખો લોકોના એ પ્રેરણાસ્રોત છે. ઘણાય યુવાઓના જીવનમાં અમિતાભનો પ્રભાવ રહ્યો છે. અમિતાભને હિન્દી ફિલ્મ જગતમાં શિખર પર પહોંચવા માટે ઘણો પરિશ્રમ કરવો પડ્યો છે. તેઓ કામમાં સતત ડૂબેલા રહ્યા છે અને આજે 70ના દાયકામાં પણ કાર્યમાં પોતાને સતત પરોવાયેલા રાખે છે. કામને તેઓ પૂજા માનતા આવ્યા છે. ઘણા લોકોને અમિતાભની એક્ટિંગે પ્રભાવિત કર્યા તો ઘણાયને એમના ડાયલોગ્સે. ઘણા એવા લોકો પણ છે જેમને અમિતાભની કામ કરવાની ક્ષમતા અને એમની ઊર્જા-લગને પ્રભાવિત કર્યા છે. ફિલ્મી કારકિર્દીમાં અમિતાભે 40 વર્ષ પૂરા કર્યા છે અને આ વર્ષો દરમિયાન એમણે દર્શકોને અસંખ્ય બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ‘ઝંજીર’ ફિલ્મથી એમની સફળતાની યાત્રાનો મુખ્ય આરંભ થયો હતો. ત્યારબાદ એમણે આપી ‘મજબૂર’, ‘દીવાર’, ‘શોલે’, ‘ખૂનપસીના’, ‘અમર અકબર એન્થની’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘કસ્મેવાદે’, ‘ત્રિશુલ’, ‘નમક હલાલ’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘સિલસિલા’, ‘સત્તે પે સત્તા’, ‘શક્તિ’, ‘હેરાફેરી’, ‘ડોન’, ‘મહાન’, ‘અગ્નિપથ’, ‘શાન’, ‘કુલી’, ‘હમ’ વગેરે. હાલના વર્ષોમાં તેઓ ‘પીકૂ’, ‘વઝીર’, ‘102 નોટઆઉટ’ જેવી ફિલ્મો પડદા પર જોવા મળ્યા. હવે તેઓ આવી રહ્યા છે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મમાં, જે ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. ‘ચિત્રલેખા’ પરિવાર અને વાચકો તરફથી બિગ બીને જન્મદિન તથા તંદુરસ્તીભર્યા દીર્ઘાયુની હાર્દિક શુભેચ્છા.